

- ફાયર વિભાગના જવાનોની હિંમત અને ઝડપી રેસ્ક્યુ કામગીરીથી એક વ્યક્તિનો જીવ બચ્યો; એ ડિવિઝન પોલીસ અને 112ની ટીમે પણ સંભાળ્યો મોરચો.
કચ્છ, 25 નવેમ્બર (હિ.સ.) : ભુજ શહેરમાં આજે એક ગંભીર ઘટના બનતા સહેજમાં ટળી હતી. શહેરના હમીરસર તળાવ નજીક આવેલા એક ઊંડા કૂવા પાસે એક વ્યક્તિ આપઘાતના ઇરાદે કૂવામાં ઝંપલાવવાની તૈયારી કરી રહ્યો હોવાની જાણ થતાં તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ ભુજ ફાયર બ્રિગેડના કંટ્રોલ રૂમને કરવામાં આવતાં જ ફાયર વિભાગની ટીમે સમય ગુમાવ્યા વિના ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, હમીરસર તળાવ વિસ્તારમાં આવેલા ઊંડા કૂવા પાસે એક વ્યક્તિના આપઘાતના પ્રયાસની આશંકા સાથે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. પરિસ્થિતિની ગંભીરતા જોતા ફાયર વિભાગના જવાનોએ તાત્કાલિક રેસ્ક્યુ માટે જરૂરી તૈયારીઓ સાથે ઘટનાસ્થળે પહોંચી મોરચો સંભાળ્યો હતો. કૂવાની ઊંડાઈ અને વ્યક્તિની જોખમી સ્થિતિને ધ્યાનમાં રાખીને જવાનોએ અત્યંત સાવચેતી અને કુનેહપૂર્વક બચાવ કામગીરી આગળ ધપાવી હતી.
ફાયર વિભાગના કર્મચારીઓએ હિંમત, તાલમેલ અને સમયસૂચકતાનો પરિચય આપતાં વ્યક્તિને કૂવામાં ઝંપલાવતાં અટકાવી સહીસલામત બચાવી લીધો હતો. સમયસર હાથ ધરવામાં આવેલી આ કામગીરીના કારણે એક મોટી દુર્ઘટના ટળી હતી અને સંભવિત જાનહાનિ અટકાવવામાં સફળતા મળી હતી.
આ રેસ્ક્યુ ઓપરેશનમાં સ્ટેશન ઓફિસર સચિન બી. પરમાર, ડી.સી.પી.ઓ. રવિરાજ ગઢવી, ફાયરમેન કરણ જોશી, ઈમ્તિયાઝ સમા, સોહમ ગોસ્વામી અને ઉજ્જવલ ગોસ્વામી જોડાયા હતા. ઉપરાંત એપ્રેન્ટિસ સ્ટાફના સાહિલ પટણી, ઓમ ગોર અને યોગેશ રબારીએ પણ બચાવ કામગીરીમાં સહયોગ આપ્યો હતો. આ સમગ્ર કામગીરી દરમિયાન ભુજ એ ડિવિઝન પોલીસ તથા 112ની ટીમ પણ સ્થળ પર હાજર રહી હતી.
ભુજ ફાયર વિભાગના જવાનોની સતર્કતા અને સંયુક્ત પ્રયાસોના કારણે એક વ્યક્તિને નવજીવન મળ્યું હતું. આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે આપત્તિ કે કટોકટીના સમયે ફાયર વિભાગ અને પોલીસની ત્વરિત કામગીરી કેટલી મહત્વપૂર્ણ બની રહે છે. વ્યક્તિને સુરક્ષિત બચાવ્યા બાદ તેને જરૂરી સહાય અને સંભાળ મળી રહે તે પણ એટલું જ જરૂરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar