ભુજમાં ઠાકોરજીના લગ્નનો ભવ્ય મહોત્સવ: વાજતે-ગાજતે નીકળ્યો વરઘોડો, તુલસી વિવાહ સાથે કચ્છમાં લગ્નસરાની શુભ શરૂઆત
કારતક પૂર્ણિમાના પવિત્ર અવસરે નૂતન સ્વામિનારાયણ મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિથી તુલસી વિવાહ યોજાયો, લગ્નગીતો અને ફટાણાના સૂર વચ્ચે મોટી સંખ્યામાં ભક્તો બન્યા ઉત્સવના સાક્ષી કચ્છ, 25 નવેમ્બર (હિ.સ.) : દિવાળીના પર્વ બાદ હિન્દુ ધર્મમાં લગ્નસરાની શરૂઆ
ભુજમાં તુલસી વિવાહ ઉજવવામાં આવ્યો


ભુજમાં તુલસી વિવાહ ઉજવવામાં આવ્યો


ભુજમાં તુલસી વિવાહ ઉજવવામાં આવ્યો


ભુજમાં તુલસી વિવાહ ઉજવવામાં આવ્યો


- કારતક પૂર્ણિમાના પવિત્ર અવસરે નૂતન સ્વામિનારાયણ મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિથી તુલસી વિવાહ યોજાયો, લગ્નગીતો અને ફટાણાના સૂર વચ્ચે મોટી સંખ્યામાં ભક્તો બન્યા ઉત્સવના સાક્ષી

કચ્છ, 25 નવેમ્બર (હિ.સ.) : દિવાળીના પર્વ બાદ હિન્દુ ધર્મમાં લગ્નસરાની શરૂઆતનો સંકેત આપતા પવિત્ર અવસરે ભુજના નૂતન સ્વામિનારાયણ મંદિરમાં પરંપરાગત શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે તુલસી વિવાહ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ઠાકોરજી અને તુલસીજીના વિવાહ પ્રસંગે મંદિર પરિસર જાણે લગ્નમંડપમાં પરિવર્તિત થઈ ગયું હતું. વાજતે-ગાજતે નીકળેલો વરઘોડો, વૈદિક મંત્રોચ્ચાર, લગ્નગીતો અને ભક્તોની ઉપસ્થિતિએ સમગ્ર વાતાવરણને ઉત્સવમય બનાવી દીધું હતું. આ ધાર્મિક પ્રસંગ સાથે હવે કચ્છભરમાં પણ લગ્નસરાની રોનક જામશે.

સનાતન પરંપરા અનુસાર ચાતુર્માસ દરમિયાન યોગનિદ્રામાં રહેલા ભગવાન દેવઊઠી એકાદશીના દિવસે જાગૃત થાય છે. આ દિવસથી શુભ અને માંગલિક કાર્યોની શરૂઆત થતી હોવાની ધાર્મિક માન્યતા છે. તુલસી અને ભગવાન શાલિગ્રામના વિવાહને આ પરંપરામાં વિશેષ સ્થાન મળ્યું છે. વૈષ્ણવ તથા સ્વામિનારાયણ સંપ્રદાયનાં મંદિરોમાં એકાદશીથી લઈને કારતક પૂર્ણિમા સુધી વિવિધ સ્થળોએ આ ઉત્સવ ધાર્મિક વિધિપૂર્વક ઉજવવામાં આવે છે.

ભુજ મંદિરના મહંત સ્વામી ધર્મનંદનદાસજી, ઉપમહંત ભગવતજીવનદાસજી, કોઠારી પાર્ષદ જાદવજી ભગત, વહીવટી કોઠારી દેવપ્રકાશદાસજી, સ્વામી નારાયણમુનિદાસજી તથા દેવવિહારીદાસજી સહિત વડીલ સંતોના માર્ગદર્શન અને આશીર્વાદથી સવારે ગૃહશાંતિ અને મંડપારોપણની વિધિ સાથે મહોત્સવનો પ્રારંભ થયો હતો. વરપક્ષે ઠાકોરજીના યજમાન તરીકે કૈલાશ પઢારિયા પરિવારે, જ્યારે કન્યા પક્ષે માધાપરના રમીલાબેન નીતિન ઠક્કર પરિવારે યજમાનપદનો લાભ લીધો હતો.

સાંજે વરપક્ષ અને કન્યાપક્ષના યજમાનોના નિવાસસ્થાને સંતો તથા ઠાકોરજીની પધરામણી બાદ લાલન કોલેજ પાસેથી ભવ્ય નગરયાત્રા શરૂ થઈ હતી. ઢોલ-નગારાં અને ભક્તિગીતોના નાદ સાથે નીકળેલો વરઘોડો સ્વામિનારાયણ મંદિર પહોંચ્યો હતો. અહીં ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી વિવાહ સંપન્ન કરાવવામાં આવ્યા હતા. કન્યાદાન, હસ્તમેળાપ અને મંડપફેરા સહિતની વિધિઓ દરમિયાન બંને પક્ષનાં પરિવારોની બહેનોએ પરંપરાગત લગ્નગીતો અને ફટાણાં ગાઈને પ્રસંગને યાદગાર બનાવ્યો હતો.

મંદિરના સ્વામી કપિલદાસજીએ જણાવ્યું હતું કે તુલસી વિવાહ માત્ર ધાર્મિક વિધિ નથી, પરંતુ સનાતન સંસ્કૃતિની પરંપરા અને સામૂહિક ઉત્સાહનું પ્રતીક છે. ભગવાનના વિવાહ બાદ જ સંસારમાં લગ્નની શહેનાઈ ગુંજવાની પરંપરા સાથે આ ઉત્સવ જોડાયેલો છે.

સમગ્ર આયોજનમાં મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન અને ભોજનપ્રસાદનો લાભ લીધો હતો. કચ્છ શ્રી નરનારાયણ દેવ યુવક-યુવતી મંડળ તથા મહિલા મંડળે ઉત્સવની વ્યવસ્થાની જવાબદારી સંભાળી હતી. તુલસી વિવાહના આ મંગલ પ્રસંગે ભુજમાં ભક્તિ સાથે સામાજિક અને સાંસ્કૃતિક પરંપરાનો પણ સુંદર સમન્વય જોવા મળ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande