સામખીયારીમાં મધરાતે ઘરમાં ઘૂસી યુવક પર હુમલો : નિર્વસ્ત્ર હાલતનો વીડિયો ઉતારી વાયરલ કર્યો, સાત આરોપીઓ ઝડપાયા
ઘરમાં તોડફોડ કરી યુવકને માર માર્યો, ત્યારબાદ વીડિયો સોશિયલ મીડિયા પર ફેલાવ્યાનો ગંભીર આક્ષેપ; સામખીયારી પોલીસે ગણતરીના સમયમાં સાત શખ્સોને પકડી પાડ્યા કચ્છ, 25 નવેમ્બર (હિ.સ.) : કચ્છના સામખીયારીમાં વ્યક્તિની સુરક્ષા અને ગોપનીયતાને પડકારતી એક ગંભીર
સામખિયાળી પોલીસે અટકાયત કરેલા આરોપીઓ


ઘરમાં તોડફોડ કરી યુવકને માર માર્યો, ત્યારબાદ વીડિયો સોશિયલ મીડિયા પર ફેલાવ્યાનો ગંભીર આક્ષેપ; સામખીયારી પોલીસે ગણતરીના સમયમાં સાત શખ્સોને પકડી પાડ્યા

કચ્છ, 25 નવેમ્બર (હિ.સ.) : કચ્છના સામખીયારીમાં વ્યક્તિની સુરક્ષા અને ગોપનીયતાને પડકારતી એક ગંભીર ઘટના સામે આવી છે. રાત્રિના સમયે એક યુવકના ઘરમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી તેની સાથે મારામારી કરવા ઉપરાંત નિર્વસ્ત્ર અવસ્થામાં તેનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયા પર વાયરલ કરવાના મામલે સામખીયારી પોલીસે સાત આરોપીઓની ધરપકડ કરી છે. આ ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી છે.

પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, સામખીયારીના શુભમ સોસાયટી વિસ્તારમાં રહેતા રાકેશ મારવાડી પોતાના ઘરે હાજર હતા, તે દરમિયાન તા. 19 નવેમ્બર 2026ના રાત્રિના સમયે આરોપીઓ એકસંપ થઈ ગેરકાયદેસર મંડળી રચીને તેમના ઘરે પહોંચ્યા હતા. ત્યારબાદ ઘરના મુખ્ય દરવાજાને નુકસાન પહોંચાડી બળજબરીથી ઘરમાં પ્રવેશ કર્યો હતો. એટલું જ નહીં, રૂમનો દરવાજો પણ તોડીને અંદર ઘૂસી રાકેશ મારવાડી સાથે મારામારી કરવામાં આવી હતી.

આરોપીઓએ ભોગ બનનારને નિર્વસ્ત્ર અવસ્થામાં માર મારતા હોય તેવો વીડિયો ઉતારી લીધો હતો અને ત્યારબાદ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ હતી. વ્યક્તિની ગરિમા, ગોપનીયતા અને શારીરિક સુરક્ષા સાથે જોડાયેલા આ ગંભીર બનાવને ધ્યાનમાં રાખીને સામખીયારી પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી.

સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ તેમજ ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડાના સુપરવિઝન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. ઝાલાના વડપણમાં કાર્યવાહી કરવામાં આવી હતી.

આ ગુનામાં પોલીસે ચેલા સુજાભાઈ રબારી (ઉ.વ.22), હરી ઉર્ફે વિહા હરભમભાઈ રબારી (ઉ.વ.25), ગોવા નાગજીભાઈ રબારી (ઉ.વ.21), ભુરા કરશનભાઈ રબારી (ઉ.વ.41), વાલા પબાભાઈ રબારી (ઉ.વ.25), શંકર નાગજીભાઈ રબારી (ઉ.વ.23) અને રાજેશ ઉર્ફે રામાભાઈ રબારી (ઉ.વ.23)ને ઝડપી પાડ્યા છે. તમામ આરોપીઓ કચ્છના ભચાઉ તાલુકાના અલગ-અલગ વિસ્તારોના રહેવાસી છે.

આ મામલે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો 64(2)(એમ), 115(2), 351(3), 76, 77, 189(2), 190, 191(2), 333 તથા આઈટી એક્ટની કલમ 66(ઈ) અને 67(એ) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહીથી શરીર સંબંધી ગંભીર ગુનાઓ આચરનારાઓ સામે કડક સંદેશો આપવાનો પ્રયાસ થયો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande