
- મંદિરમાં કોતરણીકામના બહાને કચ્છમાં રોકાયો હતો આરોપી, કર્ણાટક પોલીસના ચોપડે નોંધાયેલા આંતરરાજ્ય ચોરીના ગુનામાં ભચાઉ પોલીસની કાર્યવાહી.
કચ્છ, 25 નવેમ્બર (હિ.સ.) : કચ્છમાં કામકાજના બહાને રોકાયેલા રાજસ્થાનના એક યુવકની કર્ણાટક રાજ્યમાં નોંધાયેલી મંદિર ચોરીના કેસમાં સંડોવણી સામે આવતાં ભચાઉ પોલીસની ટીમે તેને ઝડપી પાડ્યો છે. કર્ણાટકના હુંબલ્લી વિસ્તારમાં આવેલા હોસગબ્બરના શ્રી આદિનાથ જૈન મંદિરમાંથી રૂ.11,48,200ની કિંમતના મુદ્દામાલની ચોરીના બનાવમાં સંડોવાયેલા હોવાની આશંકા ધરાવતા આરોપીને ભચાઉ તાલુકાના બંધડી ગામેથી શોધી કાઢવામાં આવ્યો છે. આ કાર્યવાહીથી આંતરરાજ્ય મંદિર ચોરીના ગુનામાં મહત્વની કડી હાથ લાગી છે.
પોલીસને મળેલી ખાનગી બાતમી મુજબ, કર્ણાટક રાજ્યના બેન્ડીગેરી પોલીસ સ્ટેશનમાં તા.4 ઓક્ટોબર, 2026ના રોજ ગુનો નોંધાયો હતો. આ બનાવમાં શ્રી આદિનાથ જૈન મંદિરમાંથી રૂ.11,48,200નો મુદ્દામાલ ચોરી થયો હતો. આ ગુનામાં રાજસ્થાનના પાલી જિલ્લાના માલનુ તાલુકાના માલદર ગામના ગરાસીયાવાસમાં રહેતા રવિકુમાર ચેતારામ ગરાસીયાનું નામ સામે આવ્યું હતું.
મળેલી બાતમીના આધારે ભચાઉ પોલીસની સર્વેલન્સ ટીમે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, રવિકુમાર ગરાસીયા હાલ ભચાઉ તાલુકાના બંધડી ગામમાં ચામુંડા માતાજીના મંદિરમાં કોતરણીકામ કરવા માટે આવ્યો હતો અને ત્યાં નજીક આવેલા શિવમંદિરની ઓરડીમાં રહેતો હતો. પોલીસે બાતમીના આધારે સ્થળ પર તપાસ કરતાં 21 વર્ષીય રવિકુમાર ચેતારામ ગરાસીયા મળી આવ્યો હતો. જેથી તેને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી માટે કર્ણાટકના બેન્ડીગેરી પોલીસ સ્ટેશનને સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ સમગ્ર કાર્યવાહી બોર્ડર રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમાર અને ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડાના માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસ દ્વારા કરવામાં આવી હતી.
કચ્છમાં અન્ય રાજ્યના ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપીને શોધી કાઢવાની આ કામગીરીથી પોલીસની આંતરરાજ્ય ગુનાઓના આરોપીઓ સુધી પહોંચવાની ક્ષમતા ફરી સામે આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar