
કચ્છ, 25 નવેમ્બર (હિ.સ.) : કચ્છના અબડાસા તાલુકામાં પવનચક્કીમાંથી કોપર વાયર ચોરીના બનાવનો ભેદ પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી નાખ્યો છે. જખૌ મરીન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વણશોધાયેલા ચોરીના ગુનામાં પોલીસે બાતમીના આધારે બે શખ્સોને ઝડપી પાડી તેમની પાસેથી અંદાજે રૂ.56 હજારની કિંમતનો 70 કિલો કોપર વાયર સહિત કુલ રૂ.86 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસની વિગતો મુજબ, સિંધોડી મોટી ગામની પશ્ચિમ દિશામાં આવેલી સીમમાં પવનચક્કીમાંથી કોપર વાયરવાળા બસબારની ચોરી કરવામાં આવી હતી. આ બનાવ અંગે જખૌ મરીન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. જોકે, ચોરી કરનાર શખ્સો પોલીસની પકડથી દૂર હોવાથી આ ગુનાનો ભેદ ઉકેલવા તપાસ હાથ ધરવામાં આવી હતી.
પશ્ચિમ કચ્છના પોલીસ અધિક્ષક વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચોરીની પ્રવૃત્તિઓ પર નજર રાખી આરોપીઓને શોધવા માટે કામગીરી કરવામાં આવી રહી હતી. આ દરમિયાન LCBની ટીમ અબડાસા તાલુકામાં પેટ્રોલિંગ કરી રહી હતી. ટીમ સિંધોડી મોટી ગામના બસ સ્ટેશન નજીક પહોંચી ત્યારે પોલીસ કર્મચારીઓને બાતમી મળી હતી કે વસંત મુરજી કોલી (21), રહે. આરીખણા અને આરિફ નુરમામદ સાટી (26), રહે. સુથરી, બંનેએ સાથે મળીને પવનચક્કીમાંથી કોપર વાયરવાળા બસબારની ચોરી કરી છે અને ચોરીનો સામાન લઈને સિંધોડીથી વાંકુ ગામ તરફ જતા માર્ગ પર બાવળની ઝાડીઓમાં હાજર છે.
આ ચોક્કસ બાતમીના આધારે LCBની ટીમે સ્થળ પર તપાસ કરતાં બંને શખ્સો મળી આવ્યા હતા. પોલીસે તેમની પાસેથી આશરે 70 કિલો કોપર વાયર, ચોરીના સામાનની હેરફેર માટે વપરાયેલી GJ-12-BK-9394 નંબરની મોટરસાઇકલ તેમજ ચોરીમાં ઉપયોગમાં લેવાયેલા ડિસમિસ અને ઇલેક્ટ્રિક પકડ કબજે કર્યા હતા. જપ્ત કરાયેલા કોપર વાયરની કિંમત રૂ.56 હજાર અને મોટરસાઇકલની કિંમત રૂ.30 હજાર આંકવામાં આવી છે.
આ ગુનામાં બંને આરોપીઓને BNSSની કલમ 35(1)(ઇ) હેઠળ કાયદેસરની પ્રક્રિયા અનુસરી અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ સમગ્ર કામગીરીમાં LCBના PI એ.એમ. મકવાણા, PSI જે.બી. જાદવ, PSI એમ.એચ. શીણોલ, ASI વિકેશભાઈ રાઠવા, HC લાખાભાઈ રબારી અને PC ભરતભાઈ ગઢવી જોડાયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar