

આરોગ્યથી લઈને બેંકિંગ અને કૌશલ્યલક્ષી શિક્ષણ સુધીની યોજનાઓની અપાઈ માહિતી; સાંસ્કૃતિક કાર્યક્રમો, વિજ્ઞાનના પ્રયોગો અને શૈક્ષણિક રમતો બન્યાં આકર્ષણનું કેન્દ્ર
કચ્છ, 25 નવેમ્બર (હિ.સ.) : કચ્છમાં આંગણવાડીના પૂર્વ પ્રાથમિક શિક્ષણને વધુ રસપ્રદ, સર્જનાત્મક અને ગુણવત્તાસભર બનાવવાના આશય સાથે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બાળકો તથા કિશોરીઓના વિકાસને પ્રોત્સાહન આપતી સરાહનીય પહેલ કરવામાં આવી છે. સંકલિત બાળ વિકાસ યોજના (ICDS) અંતર્ગત અમલી ‘પા પા પગલી’ પ્રોજેક્ટના ભાગરૂપે 25 નવેમ્બર, 2026ના રોજ કેરા-કુંદનપર ખાતે બાળ મેળા અને કિશોરી મેળાનું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું. લેવા પટેલ ટ્રસ્ટ સંચાલિત શાળા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં નાના ભૂલકાંઓની સર્જનાત્મકતા અને કિશોરીઓની જાગૃતિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો.
આ આયોજનમાં 3થી 6 વર્ષનાં બાળકો, 15થી 18 વર્ષની કિશોરીઓ તેમજ કચ્છ જિલ્લાના 19 ઘટકના કાર્યકરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. બાળ મેળામાં બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી પોતાની આંતરિક પ્રતિભા, કલ્પનાશક્તિ અને આત્મવિશ્વાસનું પ્રદર્શન કર્યું હતું. ખાસ કરીને બાળકોની જિજ્ઞાસા અને વિજ્ઞાન પ્રત્યેની રુચિ વિકસે તે હેતુથી સરળ અને સુરક્ષિત વૈજ્ઞાનિક પ્રયોગો રજૂ કરવામાં આવ્યા હતા. સ્થાનિક સ્તરે સરળતાથી ઉપલબ્ધ અને ઓછા ખર્ચે તૈયાર કરી શકાય તેવાં સાધનો દ્વારા બનાવેલી શૈક્ષણિક સામગ્રી તથા રમતો પણ આકર્ષણનું કેન્દ્ર બની હતી.
બાળકોની સાથે કિશોરીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને વિશેષ માર્ગદર્શન કેમ્પ યોજાયો હતો. તેમાં કિશોરીઓને આરોગ્ય અને શિક્ષણની સાથે આઈ.ટી.આઈ.માં ઉપલબ્ધ કૌશલ્યલક્ષી તાલીમ, બેંકિંગ સેવાઓ તથા પોસ્ટ ઓફિસ સંબંધિત વિવિધ સરકારી અને કલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. આ માહિતીના માધ્યમથી કિશોરીઓમાં જાગૃતિ વધારવા, શિક્ષણ અને રોજગારની તકો અંગે સમજ કેળવવા તેમજ તેમને આત્મનિર્ભર બનવા પ્રેરિત કરવાનો પ્રયાસ કરાયો હતો.
કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ, સાંસદ, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ, કારોબારી સમિતિના ચેરમેન, જિલ્લા અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ તથા સભ્યો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે બાળકો અને કિશોરીઓની પ્રવૃત્તિઓ નિહાળી સહભાગીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
આ સમગ્ર આયોજનનો મુખ્ય હેતુ માત્ર મનોરંજન પૂરતો સીમિત ન રહેતાં બાળકોના સર્વાંગી વિકાસ માટે પાયાની શૈક્ષણિક ક્ષમતાઓ વિકસાવવાનો, કિશોરીઓને વિવિધ તકો અને યોજનાઓથી માહિતગાર કરવાનો તથા વાલીઓ અને સમુદાયને આંગણવાડીના પૂર્વ પ્રાથમિક શિક્ષણ સાથે વધુ મજબૂત રીતે જોડવાનો હતો. બાળકો, કિશોરીઓ અને કાર્યકરોની ઉત્સાહભરી ભાગીદારીથી કેરા-કુંદનપરનો આ મેળો જ્ઞાન, સર્જનાત્મકતા અને જાગૃતિનું પ્રેરણાદાયી માધ્યમ બન્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar