

- રાજપીપળાથી એકતાનગર સુધી 19 હોટેલ-રેસ્ટોરન્ટ અને રિસોર્ટની તપાસ; 6 એકમોને સુધારા નોટિસ ફટકારી.- નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરનારાઓ સામે તંત્રની કડક કાર્યવાહી : 52 કિલો અખાદ્ય ચીજવસ્તુઓનો સ્થળ પર જ નાશ કરાયો.
રાજપીપળા, 25 નવેમ્બર (હિ.સ.) : સમગ્ર રાજ્યમાં નાગરિકોના સ્વાસ્થ્ય, સુરક્ષા અને સુખાકારીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને મંત્રીની સૂચનાથી રાજ્યવ્યાપી ‘ઓપરેશન હેલ્થ’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
આ અભિયાન અંતર્ગત નર્મદા જિલ્લામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, સ્વચ્છતા અને ફૂડ સેફ્ટીના નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે હાઇવે પર આવેલી હોટેલ, રેસ્ટોરન્ટ અને રિસોર્ટમાં સઘન તપાસ ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી.
આ ઝૂંબેશ અંતર્ગત રાજપીપળાથી એકતાનગર સુધીના માર્ગ પર આવેલી કુલ 19 હોટેલ, રેસ્ટોરન્ટ અને રિસોર્ટની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાના ધારાધોરણોનું પાલન ન થતું હોવાનું જણાતા તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ફૂડ સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન કરનાર કુલ ૬ હોટેલ અને રેસ્ટોરન્ટને જરૂરી સુધારાત્મક પગલાં લેવા અંગે નોટિસ પાઠવવામાં આવી છે.
તપાસ દરમિયાન એક હોટેલ પાસે ફરજિયાત ફૂડ લાયસન્સ ન હોવાનું તેમજ રસોડામાં સ્વચ્છતા અને આરોગ્યપ્રદ (હાઇજેનિક તથા સેનેટરી) પરિસ્થિતિ જળવાતી ન હોવાનું ગંભીરતાપૂર્વક ધ્યાને આવ્યું હતું. ખાદ્ય સુરક્ષાના નિયમોનું ગંભીર ઉલ્લંઘન જણાતાં તંત્ર દ્વારા આ હોટેલને તાત્કાલિક અસરથી સેલ્ફ ક્લોઝર આપવામાં આવ્યું હતું.
આ ઉપરાંત તપાસ દરમિયાન વિવિધ સ્થળોએ મળી આવેલી કુલ 52 કિલોગ્રામ અખાદ્ય ચીજવસ્તુઓનો યોગ્ય નિકાલ થાય તે સુનિશ્ચિત કરીને સંબંધિત સ્થળોએ જ સ્વેચ્છાએ નાશ કરવામાં આવ્યો હતો.
‘ઓપરેશન હેલ્થ’ અંતર્ગત હાથ ધરાયેલી આ કામગીરીનો મુખ્ય હેતુ નાગરિકો અને પ્રવાસીઓને સ્વચ્છ, સુરક્ષિત તથા ગુણવત્તાયુક્ત ખાદ્ય ચીજવસ્તુઓ મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે. ખાસ કરીને નર્મદા જિલ્લો અને એકતાનગર પ્રવાસન ક્ષેત્ર તરીકે વિશેષ મહત્ત્વ ધરાવતા હોવાથી હોટેલ, રેસ્ટોરન્ટ અને ખાદ્ય વ્યવસાય સાથે સંકળાયેલા તમામ સંચાલકો ફૂડ સેફ્ટીના નિયમો, સ્વચ્છતા અને આરોગ્યપ્રદ વાતાવરણ જાળવવા બાબતે પૂરતી તકેદારી રાખે તે અનિવાર્ય છે.
ખોરાકની ગુણવત્તા અને નાગરિકોના આરોગ્ય સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં. ખાદ્ય સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન કરનાર એકમો સામે નિયમોનુસાર તપાસ અને કડક કાર્યવાહી આગામી સમયમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ