
પાટણ, 25 નવેમ્બર (હિ.સ.) : પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે ચૌધરી, કડવા પાટીદાર અને લેઉવા પાટીદાર સમાજના એક થવા અંગે પ્રફુલ પટેલ અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા આપવામાં આવેલા નિવેદનને સમર્થન આપ્યું છે. તેમણે ત્રણેય સમાજ સંગઠિત બને તે આવકારદાયક હોવાનું જણાવ્યું હતું.
કિરીટ પટેલે જણાવ્યું હતું કે હાલના સમયમાં રબારી સમાજની વિવિધ પેટા જ્ઞાતિઓ તેમજ ઠાકોર, ચુવાળિયા કોળી અને કોળી પટેલ સમાજ પણ સંગઠિત થઈ રહ્યા છે. ત્યારે દરેક સમાજ પોતાના હિત માટે સંગઠિત થાય તેમાં કોઈ વાંધો હોવો જોઈએ નહીં.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ચૌધરી પટેલ, કડવા પટેલ અને લેઉવા પટેલ સમાજ વર્ષોથી ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે. કણબી અને પાટીદાર શબ્દોની ઓળખ પણ ખેતી અને જમીન સાથે જોડાયેલી પરંપરામાંથી ઊભી થઈ હોવાનું તેમણે જણાવ્યું હતું.
કિરીટ પટેલના જણાવ્યા મુજબ ત્રણેય સમાજની સંસ્કૃતિ, વ્યવસાય અને રીતિરિવાજો લગભગ એકસરખા છે. ઉત્તર ગુજરાતમાં ચૌધરી સમાજના લોકો પટેલ અટક લખાવે છે, જ્યારે કચ્છમાં કેટલાક પટેલ સમાજના લોકો ચૌધરી અટક લખાવે છે. આ સમાનતાને ધ્યાનમાં રાખીને ત્રણેય સમાજ એક થઈ સંગઠિત બને તે સમાજના હિતમાં હોવાનું તેમણે જણાવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ