
ભાવનગર, 25 નવેમ્બર (હિ.સ.) : ભાવનગર શહેરમાં ફોટોગ્રાફીના માધ્યમથી સર્જનાત્મકતા અને કલાત્મક અભિવ્યક્તિને પ્રોત્સાહન આપતા ત્રણ દિવસીય ફોટોગ્રાફી પ્રદર્શન ‘કેલિડોસ્કોપ – વન મેન ફોટો એક્ઝિબિશન’નું આયોજન કરવામાં આવ્યું છે. ફોટોગ્રાફર મંદાર ત્રિવેદી દ્વારા તા. 27, 28 અને 29 નવેમ્બર, 2026 દરમિયાન શ્રી ખોડીદાસ પરમાર આર્ટ ગેલેરી, સરદારનગર ખાતે આ પ્રદર્શન યોજાશે.
ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીના આર્થિક સહયોગથી યોજાનારા આ પ્રદર્શનનું ઉદ્ઘાટન 27 નવેમ્બર, શુક્રવારે સવારે 10 કલાકે કરવામાં આવશે. ફોટોગ્રાફીના વિવિધ વિષયો, દૃશ્યો અને કલાત્મક અભિગમને આવરી લેતી 30થી વધુ તસવીરો પ્રદર્શનમાં રજૂ કરવામાં આવશે. તસવીરોના માધ્યમથી અલગ-અલગ દૃષ્ટિકોણ અને સર્જનાત્મકતાની ઝલક નિહાળવા મળશે.
ઉદ્ઘાટન પ્રસંગે DySP મનીષભાઈ ઠાકર, સ્વામી સહજાનંદ કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટના ટ્રસ્ટી પ્રા. ડૉ. સુરેશભાઈ સવાણી, આચાર્ય પ્રા. ડૉ. હેતલબેન મેહતા, ગુજરાત ગૌરવ પુરસ્કૃત અમુલભાઈ પરમાર, ખાદ્યખુરાકના ફાઉન્ડર અને ઇન્ટરનેશનલ પ્રમોટર હિમાચલભાઈ મહેતા તથા એમ.કે. ભાવનગર યુનિવર્સિટીના ઝૂઓલોજી વિભાગના વડા પ્રા. ડૉ. આશિષભાઈ શુક્લા ઉપસ્થિત રહેશે.
પ્રદર્શન ત્રણેય દિવસ સવારે 10થી સાંજે 8 વાગ્યા સુધી મુલાકાતીઓ માટે ખુલ્લું રહેશે. શહેરના ફોટોગ્રાફી રસિકો, કલાપ્રેમીઓ અને નાગરિકોને આ પ્રદર્શન નિહાળવાની તક મળશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA