
અરજી અને એફઆઇઆરના આંકડા વચ્ચે મોટો તફાવત; અભયમ હેલ્પલાઈન અને સુરક્ષા સેતુ દ્વારા મહિલા સુરક્ષાની કામગીરી
જામનગર, 25 નવેમ્બર (હિ.સ.) :
જામનગરમાં ચાલુ વર્ષે નવેમ્બર સુધીમાં મહિલા પોલીસ મથકમાં ઘરેલુ હિંસાની 1003 અરજીઓ મળી છે, જે ગત વર્ષના કુલ 936 આંકડા કરતાં વધુ છે. જોકે, આ 1003 અરજીઓમાંથી માત્ર 36 કિસ્સામાં જ એફઆઇઆર નોંધાઈ છે. બીજી તરફ, 181 અભયમ હેલ્પલાઈન અને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા હજારો મહિલાઓને મદદ અને આત્મરક્ષણની તાલીમ આપવામાં આવી રહી છે.
જામનગરમાં મહિલાઓ વિરુદ્ધ હિંસા નાબૂદી દિવસ નિમિત્તે ઘરેલુ હિંસાના સત્તાવાર આંકડા સામે આવ્યા છે. મહિલા પોલીસ મથકમાં ચાલુ વર્ષે જાન્યુઆરી 2026થી 23 નવેમ્બર સુધીના સમયગાળામાં ઘરેલુ હિંસા અને પારિવારિક ત્રાસને લગતી કુલ 1003 અરજીઓ નોંધાઈ છે. આ અરજીઓમાં પતિ દ્વારા પત્નીને શારીરિક અને માનસિક ત્રાસ આપવો, સાસુ-સસરા સહિતના સાસરિયાં દ્વારા હેરાનગતિ કરવી તેમજ પતિ દ્વારા પત્નીને તરછોડી દેવા જેવી ફરિયાદોનો સમાવેશ થાય છે. આટલી મોટી સંખ્યામાં અરજીઓ મળવા છતાં અત્યાર સુધીમાં માત્ર 36 કિસ્સામાં જ જવાબદારો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
ગત વર્ષ 2025ના જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીના સમગ્ર વર્ષ દરમિયાન મહિલા પોલીસ મથકમાં મહિલાઓ પર ત્રાસ અને હેરાનગતિની કુલ 936 અરજીઓ મળી હતી, જેમાંથી 34 કિસ્સામાં ગુના નોંધાયા હતા. ગત આખા વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે નવેમ્બર મહિનો પૂરો થાય તે પહેલા જ અરજીઓનો આંકડો 1003 પર પહોંચી ગયો છે, જે ગત વર્ષ કરતાં 67 અરજીઓનો વધારો દર્શાવે છે. નોંધાયેલા ગુનાઓની સંખ્યા ગત વર્ષના 34 સામે ચાલુ વર્ષે 36 થઈ છે.
આંકડાકીય વિશ્લેષણ મુજબ ચાલુ વર્ષે મળેલી કુલ અરજીઓમાંથી આશરે 3.59 ટકા કિસ્સામાં જ એફઆઇઆર નોંધાઈને કાયદેસરની કાર્યવાહી થઈ છે, જ્યારે ગત વર્ષે આ પ્રમાણ 3.63 ટકા હતું. બંને વર્ષમાં અરજીઓની સામે ગુના નોંધાવવાની ટકાવારી લગભગ સમાન રહી છે. પોલીસ કાર્યવાહીની પ્રક્રિયા મુજબ દરેક અરજીમાં ગુનો દાખલ થતો નથી, પરંતુ કેટલીક ફરિયાદોમાં કાઉન્સેલિંગ અને બંને પક્ષો વચ્ચેની વાતચીત બાદ સમાધાન અથવા પ્રાથમિક તપાસના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવે છે.
મહિલાઓને તાત્કાલિક સહાય પૂરી પાડવા માટે કાર્યરત 181 અભયમ મહિલા હેલ્પલાઈન સેવાએ જામનગરમાં 12 વર્ષથી વધુના સમયગાળામાં 45,000થી વધુ મહિલાઓને સેવા પૂરી પાડી છે. અભયમની ટીમ, કાઉન્સિલર અને પોલીસ દ્વારા તાકીદની પરિસ્થિતિમાં ઘટના સ્થળે પહોંચીને જિલ્લાની અંદાજે 10,000 મહિલાઓને સીધી મદદ કરવામાં આવી છે. આ ઉપરાંત, વર્ષ 2025ના જાન્યુઆરીથી ડિસેમ્બર દરમિયાન જામનગર જિલ્લામાં 860 કિસ્સાઓમાં અભયમની રેસ્ક્યુ વાન દ્વારા સ્થળ પર જઈને કામગીરી કરવામાં આવી હતી.
મહિલાઓમાં સ્વરક્ષણ અને જાગૃતિ લાવવા માટે પોલીસના સહયોગથી સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા વિવિધ પ્રાયોગિક તાલીમનું આયોજન કરવામાં આવે છે. ગત વર્ષે ટ્રેનરો દ્વારા 4561 યુવતીઓને આત્મરક્ષણની તાલીમ આપવામાં આવી હતી. જ્યારે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 4039 યુવતીઓને જૂડો, કરાટે અને બોક્સિંગ જેવી સ્વરક્ષણ તકનીકોની તાલીમ આપવામાં આવી છે. આ ઉપરાંત 750 દીકરીઓને 10 દિવસના તીરંદાજીના વિશેષ કોર્સની તાલીમ પણ આપવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt