ચીનના HPHT રફ ડાયમંડ મોંઘા થતાં સુરતના હીરા ઉદ્યોગ પર વધશે ખર્ચ, પોલિશ્ડ હીરાના ભાવમાં 10% સુધી વધારાની શક્યતા
સુરત, 25 નવેમ્બર (હિ.સ.) ક્રિસમસના તહેવારોને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં લેબગ્રોન ડાયમંડની માંગ વધી રહી છે, ત્યારે ચીનની કંપનીઓએ સુરતના હીરા ઉદ્યોગ માટે નવો પડકાર ઊભો કર્યો છે. ચીનની ઉત્પાદક કંપનીઓએ HPHT (હાઈ પ્રેશર હાઈ ટેમ્પરેચર) રફ ડાયમંડના
ચીનના HPHT રફ ડાયમંડ મોંઘા થતાં સુરતના હીરા ઉદ્યોગ પર વધશે ખર્ચ, પોલિશ્ડ હીરાના ભાવમાં 10% સુધી વધારાની શક્યતા


સુરત, 25 નવેમ્બર (હિ.સ.) ક્રિસમસના તહેવારોને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં લેબગ્રોન ડાયમંડની માંગ વધી રહી છે, ત્યારે ચીનની કંપનીઓએ સુરતના હીરા ઉદ્યોગ માટે નવો પડકાર ઊભો કર્યો છે. ચીનની ઉત્પાદક કંપનીઓએ HPHT (હાઈ પ્રેશર હાઈ ટેમ્પરેચર) રફ ડાયમંડના ભાવમાં 10 ટકાનો વધારો જાહેર કર્યો છે. દિવાળી વેકેશન બાદ કંપનીઓએ પ્રાઇસ એડજસ્ટમેન્ટ લેટર મોકલીને આ નિર્ણયની જાણ કરી હતી. કાચા માલ અને ઊર્જાના ખર્ચમાં વધારો તેમજ અમેરિકન ડોલર સામે ચીનનું ચલણ મજબૂત થવાને ભાવવધારા પાછળનાં મુખ્ય કારણો ગણાવવામાં આવ્યાં છે.

ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન દિનેશ નાવડિયાના જણાવ્યા અનુસાર, ભારતમાં દર મહિને ચીનથી અંદાજે 37 લાખ કેરેટ HPHT રફ ડાયમંડની આયાત થાય છે. આ વર્ષે ચીનની કંપનીઓ દ્વારા ચોથી વખત ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. બીજી તરફ, ક્રિસમસની સીઝનમાં લેબગ્રોન હીરાની માંગ વધતાં સુરતના વેપારીઓમાં રફ ડાયમંડ મેળવવા માટે સ્પર્ધા જોવા મળી રહી છે. રફની ખરીદી મોંઘી બનતાં તેની અસર આગામી સમયમાં પોલિશ્ડ ડાયમંડના ભાવ પર પણ પડી શકે છે અને તેમાં આશરે 10 ટકા સુધીનો વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ગુજરાતમાં નાના-મોટા અંદાજે 10થી 15 હજાર હીરા કારખાનાં કાર્યરત છે, જ્યારે આ ઉદ્યોગ સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે 15થી 20 લાખ રત્નકલાકારોની રોજગારી જોડાયેલી છે. નિષ્ણાતોના મતે, જો આંતરરાષ્ટ્રીય બજારમાં પોલિશ્ડ હીરાની માંગ અને ભાવ જળવાઈ રહેશે તો ઉત્પાદકો માટે ભાવવધારો સંભાળી લેવો સરળ રહેશે. જોકે, બજારમાં મંદી આવે અને તૈયાર હીરાના ભાવ ઘટે તો ઉત્પાદન ખર્ચમાં થયેલો વધારો ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોનાં નાનાં કારખાનાં માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande