
ભાવનગર, 25 નવેમ્બર (હિ.સ.) : ભાવનગર જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓની ગુણવત્તા સુધારવા અને વિવિધ આરોગ્યલક્ષી કામગીરીની સમીક્ષા કરવાના હેતુથી ફિલ્ડ વિઝિટ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન THO મેડમ દ્વારા થોરાળી ગામમાં યોજાયેલા મમતા સત્રની મુલાકાત લેવામાં આવી હતી.
મમતા સત્ર દરમિયાન સગર્ભા મહિલાઓ, ધાત્રી માતાઓ અને બાળકોને આપવામાં આવતી આરોગ્ય સેવાઓ, રસીકરણની કામગીરી તેમજ આરોગ્યલક્ષી માર્ગદર્શનની સમીક્ષા કરવામાં આવી હતી. આરોગ્ય કર્મચારીઓ દ્વારા કરવામાં આવતી કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
આ ઉપરાંત AAM વરાળ અને PHC ટાણા ખાતે પણ મુલાકાત લેવામાં આવી હતી. બંને આરોગ્ય કેન્દ્રોમાં આરોગ્ય સેવાઓની ઉપલબ્ધતા, સ્ટાફની કામગીરી, દર્દીઓને આપવામાં આવતી સુવિધાઓ અને વિવિધ આરોગ્ય કાર્યક્રમોના અમલીકરણ અંગે સમીક્ષા કરવામાં આવી હતી.
ફિલ્ડ વિઝિટ દરમિયાન ટાણા ગામમાં આવેલી ખાનગી હોસ્પિટલની પણ મુલાકાત લેવામાં આવી હતી. હોસ્પિટલમાં PC-PNDT ચેકલિસ્ટ મુજબ જરૂરી તપાસ અને ચકાસણી કરવામાં આવી હતી. સંબંધિત રેકોર્ડ, નિયમોનું પાલન અને જરૂરી વ્યવસ્થાઓ અંગે નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું.
મુલાકાત દરમિયાન આરોગ્ય વિભાગના સ્ટાફને કામગીરીમાં ગુણવત્તા જાળવવા, નિયમોનું યોગ્ય પાલન કરવા, આરોગ્ય સેવાઓ વધુ અસરકારક બનાવવા તેમજ સરકારી આરોગ્ય કાર્યક્રમોનો લાભ ગ્રામ્ય વિસ્તારના લોકોને સમયસર પહોંચાડવા મહત્વપૂર્ણ સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA