

પાટણ, 25 નવેમ્બર (હિ.સ.) : પાટણના સુદામા ચોકડીથી ચાણસ્મા હાઇવે પર ચાલી રહેલા નવીનીકરણ અને સમારકામના કામને કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તો સાંકડો બનતા વાહનો ધીમી ગતિએ પસાર થાય છે અને ટ્રાફિક નિયમન માટે પોલીસની ગેરહાજરીને કારણે વાહનો આડેધડ પસાર થાય છે. પરિણામે હાઇવે પર અંદાજે 2 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી રહી છે. મુસાફરો તેમજ માલવાહક વાહનોના ચાલકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઈ રહેતા સમય અને ઇંધણનો બગાડ થઈ રહ્યો છે.
હાઇવેની બંને બાજુ એકઠી થયેલી રેતી અને માટી ભારે વાહનો પસાર થતાં હવામાં ઊડતી હોવાથી ધૂળની સમસ્યા પણ ગંભીર બની છે. રસ્તા પર ઊડતી ધૂળના કારણે વાહનચાલકોને સામેથી આવતા વાહનો સ્પષ્ટ દેખાતા નથી, જેના કારણે અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે. આ ઉપરાંત રાહદારીઓને પણ ધૂળ અને ટ્રાફિક વચ્ચે અવરજવર કરવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
આ સમગ્ર સમસ્યાને લઈને દિનેશ પટેલે સંબંધિત તંત્ર સમક્ષ રજૂઆત કરી છે. તેમણે હાઇવે પર ટ્રાફિકનું યોગ્ય નિયમન કરવા પોલીસ કર્મચારીઓની વ્યવસ્થા ગોઠવવા, કાયમી પોલીસ પોઇન્ટ શરૂ કરવા તેમજ રસ્તાની નિયમિત સફાઈ કરાવવાની માંગ કરી છે. સાથે જ ધૂળની સમસ્યા અટકાવવા રસ્તા પર નિયમિત પાણીનો છંટકાવ કરવામાં આવે તેવી રજૂઆત કરી છે, જેથી વાહનચાલકો અને રાહદારીઓને રાહત મળી શકે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ