
- વિદેશમાં જપ્ત થયેલા પ્રાણીઓની ઘરવાપસી, રાષ્ટ્રીય સંરક્ષણ કેન્દ્રની સ્થાપના અને સ્થાનિક નિષ્ણાતોને તાલીમ આપવા જામનગર સ્થિત વનતારા અને મડાગાસ્કર સરકાર વચ્ચે સમજૂતી
જામનગર, 25 નવેમ્બર (હિ.સ.) જામનગર સ્થિત ગ્રીન્સ ઝૂઓલોજિકલ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટર સોસાયટી (વનતારા) અને મડાગાસ્કરના પર્યાવરણ મંત્રાલય (MEDD) વચ્ચે વન્યજીવ સંરક્ષણ માટે દસ વર્ષના સમજૂતીપત્ર પર હસ્તાક્ષર થયા છે. આ કરાર હેઠળ વિદેશમાં જપ્ત થયેલા માલાગાસી પ્રાણીઓને સુરક્ષિત પરત લાવવા, રાષ્ટ્રીય સંરક્ષણ કેન્દ્ર સ્થાપવા અને સ્થાનિક નિષ્ણાતોને તાલીમ આપી વન્યજીવોને તેમના મૂળ કુદરતી રહેઠાણમાં સુરક્ષિત રાખવાની કામગીરી હાથ ધરાશે.
ભારતના ગુજરાતમાં જામનગર સ્થિત ગ્રીન્સ ઝૂઓલોજિકલ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટર સોસાયટી (વનતારા) અને રિપબ્લિક ઓફ મડાગાસ્કરના પર્યાવરણ અને ટકાઉ વિકાસ મંત્રાલય (MEDD) વચ્ચે વન્યજીવ સંરક્ષણ અને પ્રાણી કલ્યાણ માટે દસ-વર્ષના નોન-એક્સક્લુઝિવ સમજૂતીપત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ કરાર વનતારાને મડાગાસ્કરના સંરક્ષણ ભાગીદાર તરીકે માન્યતા આપે છે અને 19 ઓગસ્ટના રોજ ભારતની CITES મેનેજમેન્ટ ઓથોરિટી સમક્ષ વ્યક્ત કરાયેલી પ્રતિબદ્ધતાને પૂર્ણ કરે છે. આ સમજૂતી અંતર્ગત વિદેશમાં ગેરકાયદેસર વેપારમાંથી જપ્ત કરાયેલા માલાગાસી પ્રાણીઓને મડાગાસ્કર પરત લાવવા, ત્યાં જ તેમના બચાવ, પુનર્વસન અને પશુચિકિત્સા સંભાળ માટે સંયુક્ત રીતે કાર્ય કરવામાં આવશે.
મડાગાસ્કર વૈશ્વિક સ્તરે અત્યંત મહત્ત્વપૂર્ણ જૈવવિવિધતા ધરાવતું ક્ષેત્ર છે, જ્યાં IUCN રેડ લિસ્ટ મુજબ 90% લેમર પ્રજાતિઓ લુપ્ત થવાના આરે છે અને રેડિએટેડ કાચબાની વસ્તીમાં 47%થી વધુનો ઘટાડો નોંધાયો છે. જંગલોના વિનાશ બાદ ગેરકાયદેસર વન્યજીવ વેપાર અહીંની જૈવવિવિધતા માટે બીજું સૌથી મોટું જોખમ બન્યું છે, જેમાં માત્ર જાન્યુઆરીથી એપ્રિલ 2026 દરમિયાન જ 1,000થી વધુ કાચબા જપ્ત કરાયા હતા. અગાઉ 2024માં થાઈલેન્ડમાં જપ્ત કરાયેલા લેમર અને કાચબાની પરત રવાનગી વખતે ભંડોળ અને પરમિટની જટિલતાને કારણે વિલંબ થતા ઘણા પ્રાણીઓએ જીવ ગુમાવ્યા હતા, જે દર્શાવે છે કે જપ્તી બાદ પ્રાણીઓનું સુરક્ષિત પરિવહન અત્યંત પડકારજનક હોય છે.
દાણચોરીમાંથી બચાવાયેલા અશક્ત પ્રાણીઓના સુરક્ષિત પરિવહન માટે મડાગાસ્કરના અનુરોધ પર વનતારાની ટીમો આરોગ્ય તપાસ, રોગ પરીક્ષણ, ક્વોરેન્ટાઈન અને આગમન સમયે સંભાળ સહિતના દરેક તબક્કામાં મદદ કરશે. આ ઉપરાંત IUCN માર્ગદર્શિકા મુજબ કયા પ્રાણીઓને જંગલમાં મુક્ત કરવા તે નક્કી કરવા માટે વનતારા ફિલ્ડ રિસર્ચ અને જિનેટિક પ્રોફાઈલિંગ જેવી વૈજ્ઞાનિક નિપુણતા પૂરી પાડશે. મડાગાસ્કરના પર્યાવરણ મંત્રી ઈ. નોલાવે લક આરિસ્ટીડે અને MEDDના ડાયરેક્ટર જનરલ રાકોટોન્દ્રા વોનિનાલા વાલિકસન કિયાડીએ આ સરહદપારના સહયોગને આવકાર્યો છે, જ્યારે વનતારાના સીઈઓ વિવાન કારાણીએ સ્પષ્ટ કર્યું છે કે આ ભાગીદારીમાં તમામ નિર્ણયોની સત્તા સંપૂર્ણપણે મડાગાસ્કર સરકાર અને ત્યાંની CITES સાયેન્ટિફિક ઓથોરિટી પાસે જ રહેશે.
આ કરાર હેઠળ મડાગાસ્કર સરકાર દ્વારા ફાળવવામાં આવેલી જમીન પર વનતારા નેશનલ વાઈલ્ડલાઈફ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટરના નિર્માણ અને સ્થાપનામાં સહયોગ આપશે. સંરક્ષણ, સંશોધન અને તાલીમ માટેનું આ રાષ્ટ્રીય કેન્દ્ર મડાગાસ્કરની માલિકીનું રહેશે અને MEDDના અધિકારક્ષેત્ર હેઠળ કાર્યરત થશે. અહીં તાલીમ, ઇન્ટર્નશિપ, નિષ્ણાતોના આદાનપ્રદાન અને વ્યવહારુ સંશોધન દ્વારા સ્થાનિક માલાગાસી ટીમોને બચાવાયેલા પ્રાણીઓની સારવાર, પુનર્વસન અને અનુકૂળ પરિસ્થિતિમાં તેમને પુનઃ જંગલમાં છોડવા માટે સજ્જ કરવામાં આવશે.
સમગ્ર ભાગીદારીનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રાણીઓને તેમના મૂળ વસવાટ દેશમાં સુરક્ષિત રાખીને ત્યાં જ સંરક્ષણની માળખાકીય સુવિધાઓ અને પ્રશિક્ષિત માનવબળ તૈયાર કરવાનો છે. મડાગાસ્કરના કુદરતી વારસા અને અનન્ય પ્રજાતિઓને તેમના પોતાના જંગલોમાં જ બચાવવા માટે સ્થાનિક સંસ્થાઓને મજબૂત બનાવવાની દિશામાં આ કરાર એક નક્કર કદમ સાબિત થશે, જે લાંબા ગાળે જંગલમાં લુપ્તપ્રાય પ્રજાતિઓના અસ્તિત્વને ટકાવી રાખવામાં સીધું યોગદાન આપશે.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt