સુરતની ઉમરા 181 અભયમ દ્વારા ઘરેથી નીકળી આવેલી સગીરાને સુરક્ષિત આશ્રય અપાવ્યો
સુરત, 26 નવેમ્બર (હિ.સ.): સુરત શહેરના ઉમરા સ્થિત 181 અભયમ હેલ્પલાઇન ટીમ દ્વારા સમયસર મદદ અને અસરકારક કાઉન્સેલિંગ દ્વારા સગીરાની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી હતી. એક ત્રાહિત પક્ષ દ્વારા 181 અભયમ હેલ્પલાઇન પર સંપર્ક કરી જાણ કરવામાં આવી
'181 Abhayam' provides safe shelter


સુરત, 26 નવેમ્બર (હિ.સ.): સુરત શહેરના ઉમરા સ્થિત 181 અભયમ હેલ્પલાઇન ટીમ દ્વારા સમયસર મદદ અને અસરકારક કાઉન્સેલિંગ દ્વારા સગીરાની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી હતી.

એક ત્રાહિત પક્ષ દ્વારા 181 અભયમ હેલ્પલાઇન પર સંપર્ક કરી જાણ કરવામાં આવી હતી કે એક સગીરા મળી આવી છે અને તેને કાઉન્સેલિંગ તથા જરૂરી સહાયની જરૂર છે. આ માહિતી મળતાં જ સુરત શહેરના ઉમરા સ્થિત 181 અભયમ ટીમ તાત્કાલિક જણાવેલ સ્થળે પહોંચી હતી.

અભયમ ટીમના કાઉન્સેલર દ્વારા સગીરા સાથે શાંતિપૂર્ણ વાતચીત અને સંવેદનશીલ રીતે કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. કાઉન્સેલિંગ દરમિયાન સગીરાએ જણાવ્યું હતું કે, તે મૂળ ઉત્તર પ્રદેશની રહેવાસી છે અને પરિવારની આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને છેલ્લા ત્રણ મહિનાથી વાપી ખાતે પોતાની મોટી બહેન અને દૂરના કાકા સાથે રહી ધાગા કટિંગની કંપનીમાં કામ કરી પરિવારને આર્થિક મદદ કરતી હતી. સાથે જ તે બી.એસસી.ના પ્રથમ વર્ષમાં એક્સટર્નલ વિદ્યાર્થી તરીકે અભ્યાસ પણ કરી રહી છે.

વધુ કાઉન્સેલિંગ દરમિયાન સગીરાએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી ઉત્તર પ્રદેશના એક યુવક સાથે તેના પરિચય અને મિત્રતાના સંબંધો હતા. બંને વચ્ચે થયેલી બોલાચાલી અને માનસિક ઉદ્વેગના કારણે તે કોઈને જાણ કર્યા વિના ઘરેથી નીકળી ટ્રેન મારફતે સુરત આવી પહોંચી હતી. સુરત શહેરની અગાઉથી જાણકારી ન હોવાથી તે રેલવે સ્ટેશન પર ઉતરી આસપાસના લોકોની પૂછપરછ કરતી હતી.

181 અભયમ ટીમે સગીરા પાસેથી તેની મોટી બહેન અને દૂરના કાકાના સંપર્ક નંબર મેળવી પરિવારજનો સાથે ટેલિફોનિક સંપર્ક સાધ્યો હતો અને સમગ્ર પરિસ્થિતિની જાણ કરી હતી. પરિવારજનોએ હાલ તાત્કાલિક સુરત આવી શકવાની અસમર્થતા દર્શાવી સગીરાને સુરક્ષિત આશ્રય અપાવવા વિનંતી કરી હતી.

ત્યારબાદ અભયમના કાઉન્સેલર દ્વારા સગીરાને તેની ઉંમર, શિક્ષણ, ભવિષ્યની કારકિર્દી અને વ્યક્તિગત સુરક્ષાના મહત્વ અંગે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગુસ્સા કે લાગણીના આવેશમાં પરિવારને જાણ કર્યા વિના ઘરેથી નીકળી જવાથી ઊભી થઈ શકે તેવી મુશ્કેલીઓ અંગે સમજાવવામાં આવી હતી. તેમજ કોઈપણ મુશ્કેલી કે માનસિક તણાવની પરિસ્થિતિમાં પરિવારજનો અથવા યોગ્ય સહાય સેવા સાથે સંપર્ક કરવા સમજાવવામાં આવ્યું હતું.

કાઉન્સેલિંગ દરમિયાન સગીરાએ પોતાની પરિસ્થિતિ અંગે સમજણ દર્શાવી હતી. સુરત શહેરમાં તેના કોઈ નજીકના સગાં-સંબંધીઓ ઉપલબ્ધ ન હોવાથી અને હાલ સુરક્ષિત આશ્રયની જરૂરિયાત જણાતાં 181 અભયમ ટીમ દ્વારા જરૂરી સંકલન કરી સગીરાને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે સુરક્ષિત આશ્રય આપવામાં આવ્યો હતો.

181 અભયમ હેલ્પલાઇનની આ કામગીરી દ્વારા મુશ્કેલીમાં મુકાયેલી યુવતીને સમયસર કાઉન્સેલિંગ, પરિવાર સાથે સંકલન અને સુરક્ષિત આશ્રયની સુવિધા ઉપલબ્ધ કરાવી તેની સલામતી અને હિતને પ્રાથમિકતા આપવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande