પોરબંદર નજીક આવેલી સોરઠ કેમિકલ્સ (નિરમા ગ્રુપ)ની સોડા એશ ફેક્ટરીમાંથી નીકળતા પ્રદૂષણ સામે રજૂઆત
પોરબંદર , 26 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર જિલ્લાના નાગરિક અને જાગૃત સામાજિક કાર્યકર ભાનુભાઈ એન.ઓડેદરા દ્વારા પોરબંદર નજીક આવેલી સોરઠ કેમિકલ્સ (નિરમા ગ્રુપ)ની સોડા એશ ફેક્ટરીમાંથી નીકળતા પ્રદૂષણ અંગે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. ફેક્ટરી દ્વાર
પોરબંદર નજીક આવેલી સોરઠ કેમિકલ્સ (નિરમા ગ્રુપ)ની સોડા એશ ફેક્ટરીમાંથી નીકળતા પ્રદૂષણ સામે રજૂઆત


પોરબંદર , 26 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર જિલ્લાના નાગરિક અને જાગૃત સામાજિક કાર્યકર ભાનુભાઈ એન.ઓડેદરા દ્વારા પોરબંદર નજીક આવેલી સોરઠ કેમિકલ્સ (નિરમા ગ્રુપ)ની સોડા એશ ફેક્ટરીમાંથી નીકળતા પ્રદૂષણ અંગે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. ફેક્ટરી દ્વારા હવા, પાણી અને જમીન પ્રદૂષિત થતી હોવાનો આક્ષેપ કરી યોગ્ય તપાસ અને કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવ્યા મુજબ, ફેક્ટરીમાંથી નીકળતું પ્રદૂષિત પાણી દરિયામાં છોડવામાં આવતું હોવાની ફરિયાદ છે. જેના કારણે દરિયાઈ જીવસૃષ્ટિ અને માછીમારોની આજીવિકા જોખમમાં મુકાતી હોવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. પ્રદૂષિત પાણીનો ઉપયોગ પશુઓની પાણીની જરૂરિયાત માટે થતો હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પાણીના કારણે પશુઓના આરોગ્યને નુકસાન થવાની શક્યતા દર્શાવવામાં આવી છે. આ ઉપરાંત, છાયા, છાંયા નગર અને આસપાસના વિસ્તારોમાં ફેક્ટરી દ્વારા મોટા પાયે ધૂળ અને પ્રદૂષિત વાયુ છોડવામાં આવતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેના કારણે લોકોને શ્વાસ, આંખ અને ચામડીના રોગો થવાની ફરિયાદો ઊભી થઈ રહી છે. રજૂઆતમાં ખુલ્લામાં રાખવામાં આવતા લાઈમ સ્ટોન અને કોલસાના ઢગલાઓમાંથી ઉડતી ધૂળને કારણે પણ આસપાસના વિસ્તારોમાં પ્રદૂષણ ફેલાતું હોવાની વાત કરવામાં આવી છે. ઉમરાળા વિસ્તારમાં આવેલી શૈક્ષણિક સંસ્થાઓ અને રહેણાક વિસ્તારો પર પ્રદૂષણની ગંભીર અસર થતી હોવાની ચિંતા વ્યક્ત કરી, લોકોના આરોગ્ય અને પર્યાવરણની સુરક્ષા માટે તાત્કાલિક તપાસ કરી યોગ્ય પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande