
ભાવનગર, 26 નવેમ્બર (હિ.સ.)વિક્રમ સંવત 2083ના નૂતન વર્ષની શુભ શરૂઆત નિમિત્તે ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયા દ્વારા શ્રી પાર્ટી પ્લોટ ખાતે નૂતનવર્ષ સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સ્ટેજ કાર્યક્રમ કે પ્રવચન વિના સૌને એકબીજા સાથે આત્મીયતાથી મળવાની તક આપીને નવી પહેલ કરવામાં આવી હતી.
સ્નેહ, સંવાદ અને સંગઠનની એકતાને વધુ મજબૂત બનાવવાના હેતુથી યોજાયેલા આ સમારોહમાં ભાજપના પદાધિકારીઓ, આગેવાનો, ઉદ્યોગપતિઓ, વેપારીઓ, પૂર્વ પદાધિકારીઓ, વિવિધ સંસ્થાઓ, એનજીઓ, એસોસિએશન અને કર્મચારી મંડળોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ નવા વર્ષની શુભકામનાઓ પાઠવી પરસ્પર સંવાદ સાધ્યો હતો અને નવી ઊર્જા સાથે વિકાસની યાત્રામાં સહભાગી થવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
સમારોહમાં મેયર ઉષાબેન તલરેજા, જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ લાધવા, શહેર ભાજપ પ્રમુખ કુમારભાઈ શાહ, જિલ્લા ભાજપ પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલ, ધારાસભ્ય સેજલબેન પંડ્યા, સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, પૂર્વ સાંસદ ભારતીબેન શિયાળ, પૂર્વ મંત્રી વિભાવરીબેન દવે સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
સમારોહના નિર્ધારિત સમય દરમિયાન ગમે ત્યારે આવીને મંત્રી સાથે શુભેચ્છાની આપ-લે કરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. સ્ટેજ કાર્યક્રમ વગરના આ સ્નેહમિલનની પહેલ ઉપસ્થિતોમાં પ્રશંસનીય બની હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA