
વાહકજન્ય અને પાણીજન્ય રોગચાળો ડામવા મનપા આરોગ્ય શાખાની સઘન કામગીરી
રાજકોટ, 26 નવેમ્બર (હિ.સ.) : રાજકોટ શહેરમાં મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય તેમજ પાણીજન્ય રોગોના નિયંત્રણ માટે મહાનગરપાલિકાની આરોગ્ય શાખાએ અભિયાન તેજ બનાવ્યું છે. તા. ૧૯ થી ૨૫ નવેમ્બર દરમિયાન ૯૮ હજારથી વધુ ઘરોમાં પોરાનાશક કામગીરી, ૪૦૪ પ્રીમાઇસીસની તપાસ અને દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, તેમજ આગામી ૧ ડિસેમ્બરથી હોસ્પિટલ આધારિત નાઇટ બ્લડ સર્વેનો પ્રારંભ થશે.
રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાને અટકાવવા માટે વિવિધ સ્તરે સઘન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ખાસ કરીને ડેન્ગ્યુ ફેલાવતા એડીસ મચ્છર દિવસના સમયે કરડતા હોવાથી વધુ જનસમુદાય ધરાવતા સ્થળોએ રોગ ફેલાવાનું જોખમ વધુ રહે છે. મચ્છરનું જીવનચક્ર ટૂંકું હોવાને કારણે ચોખ્ખા પાણીના પાત્રોમાં તેની ઉત્પત્તિ ઝડપથી થાય છે, જેને ડામવા તા. ૧૯/૧૧/૨૦૨૬ થી ૨૫/૧૧/૨૦૨૬ દરમિયાન ફિલ્ડ વર્કર, અર્બન આશા અને MPHW દ્વારા કુલ ૯૮,૬૩૨ ઘરોમાં પોરાનાશક કામગીરી તેમજ ૭૩૮ ઘરોમાં ફોગિંગ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વધુ ઘનતા ધરાવતા વિસ્તારો, સંવેદનશીલ સોસાયટીઓ અને જાહેર રસ્તાઓ પર વ્હીકલ માઉન્ટેડ મશીન દ્વારા ફોગિંગની કામગીરી આવરી લેવાઈ છે.
શહેરી વિસ્તારમાં મચ્છર ઉત્પત્તિ સ્થળો શોધવા માટે રહેણાંક મકાનો ઉપરાંત બાંધકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, ભંગારના ડેલા, પાર્ટી પ્લોટ અને સરકારી કચેરીઓ સહિતના ૪૦૪ કોમર્શિયલ અને જાહેર પ્રીમાઇસીસની સઘન તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન મચ્છર ઉત્પત્તિ બદલ બાયલોઝ હેઠળ રહેણાંક વિસ્તારમાં ૨૮૦ અને કોમર્શિયલ વિસ્તારમાં ૮૩ આસામીઓને નોટિસ ફટકારવામાં આવી છે, જ્યારે બેદરકારી બદલ ૨૮ આસામીઓ પાસેથી રૂ. ૧૦,૭૦૦નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો છે.
કેન્દ્ર સરકારના વર્ષ ૨૦૩૦ સુધીમાં ફાઇલેરિયા નાબૂદીના લક્ષ્યાંક અંતર્ગત ગુજરાત રાજ્યમાં ‘ગુજરાત હોસ્પિટલ-બેઝ્ડ નાઇટ બ્લડ સર્વે (GH-NBS)’ શરૂ કરવામાં આવી રહ્યો છે. જે મુજબ તા. ૦૧/૧૨/૨૦૨૬ થી ફાઇલેરિયા અસરગ્રસ્ત વિસ્તારની મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોમાં રાત્રિના ૧૦ થી ૧૨ કલાક દરમિયાન ૨૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના તબીબી રીતે સ્થિર ઇન્ડોર દર્દીઓના લોહીના નમૂના લેવાની કામગીરી શરૂ થશે. આ કામગીરીના સુચારુ અમલીકરણ માટે તા. ૨૫/૧૧/૨૦૨૬ના રોજ રાજકોટની પી.ડી.યુ. હોસ્પિટલ, પદ્મકુંવરબા હોસ્પિટલ અને કોઠારીયા સી.એચ.સી. કેન્દ્રના તબીબી અધિકારી, લેબ ટેકનિશિયન અને સ્ટાફ નર્સની ટીમને જરૂરી તાલીમ આપવામાં આવી હતી.
મચ્છરજન્ય રોગોની સાથે પાણીજન્ય રોગચાળાના સર્વેલન્સ માટે પણ આરોગ્ય શાખા સતર્ક બની છે. મહાનગરપાલિકાના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના ફિલ્ડ સ્ટાફ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી પાણીના કુલ ૨,૮૪૨ R.C. (રેસિડ્યુઅલ ક્લોરિન) ટેસ્ટ કરવામાં આવ્યા છે. પાણીજન્ય રોગોના ફેલાવાને અટકાવવા માટે નાગરિકોને પીવાના પાણીની સ્વચ્છતા જાળવવા, પાણી ઉકાળીને અથવા યોગ્ય રીતે શુદ્ધ કરીને પીવા તેમજ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આપવામાં આવતી માર્ગદર્શિકાનું પાલન કરવા જણાવવામાં આવ્યું છે.
આ રોગો સીધા જ માનવીની જીવનશૈલી સાથે સંકળાયેલા હોવાથી તેના નિયંત્રણ માટે નાગરિકોનો સહકાર અત્યંત જરૂરી છે. રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાએ શહેરીજનોને પોતાના ઘર તથા આસપાસના વિસ્તારમાં પાણી ભરાઈ ન રહે તેની તકેદારી રાખવા અને મચ્છર ઉત્પત્તિ સ્થળોનો નાશ કરવા અપીલ કરી છે. વધુમાં, આરોગ્ય વિભાગ દ્વારા ડ્રોન મારફતે મચ્છર ઉત્પત્તિ સ્થળોના સર્વેની કામગીરી કરવામાં આવી રહી હોવાથી તેમાં પણ પૂરતો સહકાર આપવા અનુરોધ કરાયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt