રાજકોટ સિવિલમાં તબીબી બેદરકારીનો આક્ષેપ : ગાંઠના ઓપરેશનમાં દર્દીની છાતીમાં તાર ફસાઈ જતાં હોબાળો
સારવાર દરમિયાન નસ ન મળતાં છાતીમાં નાખેલો તાર હાડકામાં ફસાયો, પરિવારજનોની પોલીસ ફરિયાદની ચીમકી રાજકોટ, 26 નવેમ્બર (હિ.સ.) : રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગાંઠના ઓપરેશન માટે દાખલ થયેલા દર્દીની છાતીમાં તબીબી પ્રક્રિયા દરમિયાન તાર ફસાઈ જવાની ઘટના સામે આવ
સિવિલ હોસ્પિટલમાં બેદરકારી


સિવિલ હોસ્પિટલમાં બેદરકારી


- સારવાર દરમિયાન નસ ન મળતાં છાતીમાં નાખેલો તાર હાડકામાં ફસાયો, પરિવારજનોની પોલીસ ફરિયાદની ચીમકી

રાજકોટ, 26 નવેમ્બર (હિ.સ.) : રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગાંઠના ઓપરેશન માટે દાખલ થયેલા દર્દીની છાતીમાં તબીબી પ્રક્રિયા દરમિયાન તાર ફસાઈ જવાની ઘટના સામે આવી છે. હાથમાં નસ ન મળતાં છાતીમાંથી બોટલ ચડાવવાના પ્રયાસમાં આ તાર છાતીના હાડકામાં ગૂંચવાઈ ગયો હતો. પરિવારજનોએ તબીબો સામે ગંભીર બેદરકારી અને સિનિયર તબીબ ગાયબ હોવાનો આક્ષેપ કરી પોલીસ ફરિયાદ નોંધાવવાની ચીમકી ઉચ્ચારી છે.

ગાંઠનું ઓપરેશન કરાવવા માટે ગત 20 નવેમ્બરના રોજ એક દર્દીને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન બોટલ ચઢાવવા માટે હાથમાં 15 વખત પ્રયાસ કરવા છતાં નસ મળી ન હતી. આથી તબીબોએ વૈકલ્પિક પદ્ધતિ તરીકે છાતીના ભાગેથી બોટલ ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો. પરિવારના જણાવ્યા અનુસાર દર્દીને બેભાન કર્યા વગર જ છાતીમાં સોય નાખવામાં આવી હતી, જેના કારણે દર્દીને અસહ્ય દુખાવો ઉપડ્યો હતો. બાદમાં એક્સ-રે રિપોર્ટ કરાવતા છાતીની અંદરના હાડકામાં તારમાં આંટી ચડી ગઈ હોવાનું બહાર આવ્યું હતું, જેનો બે વેંત જેટલો ભાગ હજુ પણ શરીરની બહાર લટકી રહ્યો છે.

અંદર ફસાયેલા તારને બહાર કાઢવા માટે તબીબોએ છાતીના ભાગે ચેકો મૂકીને ખેંચવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે બહાર નીકળ્યો ન હતો. આક્ષેપ મુજબ, ચેકો માર્યા બાદ ઘા પર ટાંકા લેવાને બદલે તેને ખુલ્લો રાખી દેવામાં આવ્યો હતો અને બે કલાક બાદ તાર સાથે જ સાદું ડ્રેસિંગ કરી દેવાયું હતું. હાલ હોસ્પિટલ તંત્ર દ્વારા દર્દીને વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડવાનું કહેવામાં આવી રહ્યું છે. જેના પગલે પરિવારજનોએ સવાલ ઉઠાવ્યો છે કે, દર્દીને અમદાવાદ લઈ જતી વખતે રસ્તામાં કોઈ અનિચ્છનીય ઘટના બને તો તેની જવાબદારી કોની રહેશે?

બીજી તરફ, પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે જે સિનિયર તબીબ દ્વારા આ સારવાર કરવામાં આવી હતી, તેઓ બપોર બાદથી હોસ્પિટલમાંથી ગાયબ થઈ ગયા છે. તંત્ર દ્વારા જવાબદાર તબીબનું નામ જાહેર કરવામાં આવતું નથી કે દર્દીની સારવારની ફાઈલ પણ આપવામાં આવતી નથી. હોસ્પિટલના કોઈ અધિકારીએ મુલાકાત ન લેતા અને સંતોષકારક જવાબ ન મળતા પરિવારજનોએ સીસીટીવી ફૂટેજની માંગણી સાથે જવાબદાર તબીબ સામે કાયદેસરની પોલીસ ફરિયાદ નોંધાવવાની તૈયારી દર્શાવી છે.

સમગ્ર વિવાદ અંગે સિવિલ હોસ્પિટલના અધિક્ષકે સ્પષ્ટતા કરી છે કે, સર્જિકલ વોર્ડમાં દાખલ દર્દીની શારીરિક સ્થિતિને કારણે આઈવી લાઈન સરળતાથી મળતી ન હોવાથી તબીબે વૈકલ્પિક પદ્ધતિ અપનાવી હતી. કોઈપણ તબીબ જાણીજોઈને આવું કૃત્ય ન કરે, તેમ છતાં આ ઘટના તબીબી બેદરકારી છે કે ઓપરેશનની પ્રક્રિયાનો એક ભાગ, તે દિશામાં તપાસ કરવામાં આવશે. જો તપાસમાં કોઈની બેદરકારી સામે આવશે તો ચોક્કસ કડક પગલાં ભરવામાં આવશે.

--------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande