
ગીર સોમનાથ, 26 નવેમ્બર (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળ ખાતે આજે 26 નવેમ્બરના રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા કક્ષાએ સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ટાવર ચોક ખાતે ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ભાજપના આગેવાનો અને કાર્યકરોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ બંધારણના મહત્ત્વ અને લોકશાહીના મૂલ્યો અંગે જનજાગૃતિ ફેલાવવાના હેતુથી પદયાત્રા યોજવામાં આવી હતી.
ટાવર ચોકથી શરૂ થયેલી પદયાત્રા શહેરના વિવિધ રાજમાર્ગો પરથી પસાર થઈ હતી. જેમાં જૂનાગઢ લોકસભાના સાંસદ રાજેશ ચુડાસમા, ભાજપ જિલ્લા મહામંત્રી ભરત વાળા, પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડ, તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ, પૂર્વ ધારાસભ્યો રાજસીભાઈ જોટવા, વેરાવળ નગરપાલિકાના પ્રમુખ નરેશભાઈ ગોહેલ સહિત નગરસેવકો, સંગઠનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા.
આ પ્રસંગે સાંસદ રાજેશ ચુડાસમાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારે ડૉ. બાબા આંબેડકરના સાહેબ યોગદાન અને બંધારણના મહત્ત્વને લોકો સુધી પહોંચાડવા સંવિધાન દિવસની ઉજવણીને વિશેષ મહત્ત્વ આપ્યું છે. તેમણે બંધારણ દ્વારા નાગરિકોને મળેલા અધિકારો, લોકશાહીનાં મૂલ્યો અને છેવાડાના લોકો સુધી કલ્યાણકારી યોજનાઓના લાભ પહોંચાડવા અંગે પણ વાત કરી હતી. આમ, પદયાત્રા અને પુષ્પાંજલિ કાર્યક્રમ દ્વારા બંધારણ પ્રત્યે સન્માન વ્યક્ત કરી લોકશાહીનાં મૂલ્યો જાળવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ