
સુરત, 26 નવેમ્બર (હિ.સ.): સુરતના અમરોલી વિસ્તારમાં ધોરણ-10માં અભ્યાસ કરતા 15 વર્ષીય વિદ્યાર્થી સાથે મારામારીની ગંભીર ઘટના સામે આવી છે. એક કિશોરે જૂની બોલાચાલીની અદાવત રાખીને વિદ્યાર્થીને પોતાના ઘરે બોલાવ્યો હતો, જ્યાં તેની સાથે ગાળાગાળી કરી મારપીટ કરવામાં આવી હતી. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ અમરોલી પોલીસે તપાસ શરૂ કરી આરોપી કિશોરને ઝડપી પાડ્યો હતો.
મળતી માહિતી મુજબ, આશરે એક મહિના અગાઉ વિદ્યાર્થીની તેના શાળાના મિત્ર સાથે બોલાચાલી થઈ હતી. આ બાબતને લઈને 2 નવેમ્બર 2026ના રોજ આરોપીના ઘરે બંને પક્ષના મિત્રો ભેગા થયા હતા. દરમિયાન આરોપીએ વિદ્યાર્થીને નિશાન બનાવી માર માર્યો હતો. વાયરલ વીડિયોમાં આરોપી વિદ્યાર્થીને સતત 11 લાફા મારતો જોવા મળે છે. વિદ્યાર્થી હાથ જોડીને માફી માંગતો હોવા છતાં તેને અપમાનિત કરવામાં આવ્યો હતો અને ફરી દેખાશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. ડરના કારણે વિદ્યાર્થીએ લગભગ 23 દિવસ સુધી પરિવારને આ અંગે જાણ કરી નહોતી.
25 નવેમ્બરના રોજ પરિવારના સભ્યને વોટ્સએપ મારફતે ઘટનાનો વીડિયો મળતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. ત્યારબાદ પરિવારે પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. અમરોલી પોલીસે BNSની કલમ 115(2) અને 351(3) હેઠળ ગુનો નોંધી આરોપી કિશોરને કસ્ટડીમાં લીધો છે. પોલીસ તપાસમાં આરોપી અગાઉ પણ લૂંટ, મારામારી અને ગુજરાત પોલીસ અધિનિયમ સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે