
પાટણ, 26 નવેમ્બર (હિ.સ.) : સિદ્ધપુર નગરમાં 26 નવેમ્બરના રોજ બંધારણ દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ, સામાજિક આગેવાનો, નગરપાલિકાના સભ્યો અને નગરજનોએ એકત્રિત થઈ બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી પુષ્પાંજલિ દ્વારા શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી હતી. કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ સહિત અન્ય રાજકીય પક્ષોના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉજવણીમાં ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂત, પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, શહેર ભાજપ પ્રમુખ કૌશલ જોશી અને કોંગ્રેસ અગ્રણી બિપીન દવે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જયાબેન શાહ, હરેશ મકવાણા, નિરંજન ઠાકર, જયંતી પરમાર, ગૌતમ મકવાણા સહિતના આગેવાનો તેમજ મુસ્લિમ સમાજ અને દલિત સમાજના ભાઈ-બહેનોએ પણ કાર્યક્રમમાં સહભાગી બની બંધારણના મહત્વને યાદ કર્યું હતું.
કાર્યક્રમ દરમિયાન ડૉ. બાબાસાહેબ આંબેડકર ઉપરાંત નગરમાં સ્થાપિત અન્ય મહાનુભાવોની પ્રતિમાઓને પણ ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા. સાથે જ શહીદ વીર ચિરાગ ચૌહાણની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ કાર્યક્રમ દ્વારા સામાજિક એકતા, સમાનતા, બંધુત્વ અને ભારતીય બંધારણના લોકશાહી મૂલ્યોને જાળવી રાખવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ