પાટણમાં બંધારણ દિવસની ઉજવણી: કોંગ્રેસે બંધારણ રક્ષા માટે અનોખી રણનીતિ ઘડવાની કરી જાહેરાત
પાટણ, 26 નવેમ્બર (હિ.સ.) : પાટણમાં 26 નવેમ્બર, બંધારણ દિવસ નિમિત્તે જિલ્લા, શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ભારતીય બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રત
પાટણમાં બંધારણ દિવસની ઉજવણી: કોંગ્રેસે બંધારણ રક્ષા માટે અનોખી રણનીતિ ઘડવાની કરી જાહેરાત


પાટણ, 26 નવેમ્બર (હિ.સ.) : પાટણમાં 26 નવેમ્બર, બંધારણ દિવસ નિમિત્તે જિલ્લા, શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ભારતીય બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા કાર્યકરોએ બંધારણના મૂલ્યો, લોકશાહી અને નાગરિકોના અધિકારો પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

કાર્યક્રમ દરમિયાન મીડિયા સાથે વાતચીત કરતાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું કે ડો. બાબાસાહેબ આંબેડકરે દેશના નાગરિકોને સમાનતા, હક અને અધિકારો આપતું મહાન બંધારણ આપ્યું છે. તેમણે જણાવ્યું કે ગત દિવસે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે પણ બંધારણની રક્ષા માટે રેલી અને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમોનો મુખ્ય ઉદ્દેશ બંધારણના મહત્વ અંગે લોકોમાં જાગૃતિ લાવવાનો છે.

વધુમાં કોંગ્રેસના આગેવાને કેન્દ્ર અને રાજ્ય સરકાર પર પ્રહાર કરતાં આક્ષેપ કર્યો હતો કે ભાજપના શાસનમાં દેશ અને ગુજરાતમાં બંધારણ જોખમમાં છે. તેમણે જણાવ્યું હતું કે બંધારણના રક્ષણ અને લોકશાહી મૂલ્યો જાળવવા કોંગ્રેસ પક્ષ આગામી દિવસોમાં વિશેષ આયોજન સાથે અનોખી રણનીતિ તૈયાર કરી રહ્યો છે. આ માટે પક્ષના આગેવાનો અને કાર્યકરો સાથે મળીને આગળની કામગીરી હાથ ધરશે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande