
- 25મી નવેમ્બર સુધી એનઓસી ન મેળવેલ હોય તેવી શાળા-કોલેજ અને કલાસીસની યાદી બનાવી.
રાજકોટ, 26 નવેમ્બર (હિ.સ.) : રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 25 નવેમ્બરના 399 શૈક્ષણિક સંસ્થાઓ પાસે ફાયર એનઓસી ન હોવાનું જાહેર કર્યું હતું ત્યારે આજે શાળા-કોલેજોમાં વેકેશન પૂર્ણ થતાની સાથે જ અલગ અલગ 8 ફાયર સ્ટેશન દ્વારા ટીમ બનાવી કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજે હરી ઘવા રોડ પર આવેલી જ્ઞાનધારા વિદ્યામંદિર ખાતે ફાયર વિભાગની ટીમ પહોંચી હતી. જો કે અહીં ફાયર એકઝિટ સીડી અને આગ બુઝાવવા માટેના સાધનો પૂરતા હોવાનું સામે આવ્યું હતું.
રાજકોટના કોઠારીયા ફાયર સ્ટેશનના સ્ટેશન ઓફિસર પરેશ ચુડાસમાએ જણાવ્યું હતું કે, વોર્ડ નંબર 16,17 અને 18 માં અલગ અલગ શૈક્ષણિક સંસ્થાઓ સહિતમાં ફાયર વિભાગ દ્વારા ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે તે અંતર્ગત અહીં જ્ઞાનધારા વિદ્યામંદિર ખાતે ચેકિંગ માટે આવ્યા છીએ. પરંતુ અહીં ફાયર એનઓસી છે અને આગ બુઝાવવા માટેના તમામ સાધનો ચાલુ હાલતમાં હોવાનું સામે આવ્યું છે. જોકે અહીં અંજલિ, સોમનાથ અને યોગી સ્કૂલમાં ફાયર એનઓસી ન હોવાનું જાણવા મળ્યું છે.
જ્યારે જ્ઞાનધારા વિદ્યામંદિરના સંચાલક હરેશભાઈ પાદરાએ જણાવ્યું હતું કે, અહીં કે.જી.થી ધોરણ 12 સુધીના 600 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. પરંતુ અહીં ભણતા વિદ્યાર્થીઓને શિક્ષકો સહિતનાઓની સુરક્ષા માટે ફાયર સેફ્ટી માટેના તમામ સાધનો રાખવામાં આવ્યા છે અને ફાયર એક્ઝિટ માટેની સીડી પણ અલગથી બનાવવામાં આવેલી છે.
નોંધનીય છે કે, શહેરમાં અલગ અલગ પ્રકારની બિલ્ડિંગોને મળીને કુલ 2,300થી વધુ નોટિસો આપવામાં આવી છે. આ નોટિસો એવી ઇમારતોને ફટકારવામાં આવી છે જ્યાં ફાયર સેફટીના સાધનો અપૂરતા છે અથવા તો જરૂરી નિભાવણીના અભાવે બંધ હાલતમાં છે. અને કેટલીક ઇમારતોમાં ફાયર સેફટીના સાધનો તો ઉપલબ્ધ હોય છે પરંતુ ફાયર એક્સટીંગ્યુસર રિફિલિંગ કરવાના બાકી હોય, પાણીનો વાલ્વ કે મોટર જામ થઈ ગયા હોય અથવા ઇલેક્ટ્રિક વાયરિંગમાં કોઈ ખામી સર્જાઈ હોય તેવી બાબતો ધ્યાને આવતા આ નોટિસો આપવામાં આવી છે.કુલ 2,300 થી વધુ નોટિસો પૈકી લગભગ 350 થી 400 ની આસપાસ એટલે કે 399 જેટલી શાળાઓ અને કોલેજોનો સમાવેશ થાય છે.
ફાયર વિભાગે સ્પષ્ટ સૂચના આપી છે કે શાળા સંચાલકોએ ફાયર સેફટીના તમામ સાધનો વર્કિંગ કન્ડિશનમાં એટલે કે સંપૂર્ણપણે ચાલુ હાલતમાં કરી નાખવા પડશે અને ત્યારબાદ જ શાળા શરૂ કરવાની રહેશે. જે શાળાઓ પાસે ફાયર એનઓસી નથી, તે શાળાઓ માટે ફાયર એનઓસી લેવી ફરજિયાત કરવામાં આવી છે. જે જગ્યાએ ફાયર સેફટીના સાધનો નહીં હોય અથવા નિયમોનું ઉલ્લંઘન જણાશે ત્યાં કાયદેસરની તમામ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત આવી શાળાઓ કે કોલેજોને બંધ રાખવા માટે શિક્ષણ વિભાગ અને સંબંધિત ઉપલી કચેરીઓને પણ સત્તાવાર જાણ કરવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt