



પાટણ, 26 નવેમ્બર (હિ.સ.) : સિદ્ધપુરના પવિત્ર સરસ્વતી નદીના કિનારે યોજાતા કાર્તિકી પૂર્ણિમાના મેળા અંતર્ગત ગુજરાત સરકારના સહયોગથી નગરપાલિકા દ્વારા 25 અને 26 નવેમ્બરના રોજ બે દિવસીય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું છે. કાર્યક્રમના પ્રથમ દિવસે રાત્રે 8:30 કલાકે ભવ્ય લોકસાંસ્કૃતિક ડાયરો યોજાયો હતો.
લીસોટા બીટ્સના વિશાલ પાધ્યાના સંચાલન હેઠળ ગાયિકા હિરલ ચૌધરી, દિવ્યા બારોટ અને ગીતા બારોટે વિવિધ ગીતોની પ્રસ્તુતિ કરી હતી. જ્યારે લોકસાહિત્યકાર અશોક મિસ્ત્રીએ લોકસાહિત્ય રજૂ કર્યું હતું અને મહેન્દ્ર બારોટે ગોવિંદાના રૂપમાં રજૂઆત કરી શ્રોતાઓનું મનોરંજન કર્યું હતું.
સ્થાનિક કલાકારોને મંચ પૂરું પાડવા અને તેમની કલાને પ્રોત્સાહન આપવાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં 'લોકલ ફોર વોકલ'ની ભાવનાને વેગ આપવામાં આવ્યો હતો. કલાકારોની પ્રસ્તુતિને ઉપસ્થિત લોકોએ ઉત્સાહભેર વધાવી લીધી હતી.
નગરપાલિકા પ્રમુખ રણજીતસિંહજી ઠાકોરના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં શહેર અને તાલુકા ભાજપના હોદ્દેદારો, નગરપાલિકાના સભ્યો, કર્મચારીઓ, સરકારી અધિકારીઓ, સંગઠનના પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં નગરજનો અને મેળાના મુલાકાતીઓ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ