
સાફ-સફાઈના અભાવે એક રેસ્ટોરન્ટનું વેચાણ બંધ કરાવાયું; 4 નમૂના લેબોરેટરીમાં મોકલાયા
જામનગર, 26 નવેમ્બર (હિ.સ.) :
જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાએ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા નોનવેજ રેસ્ટોરન્ટ અને બેકરીઓ પર સઘન તપાસ હાથ ધરી છે. સ્વચ્છતાના નિયમોનો ભંગ કરનાર એકમો સામે કડક પગલાં લઈને અંદાજે ₹2,460 ની કિંમતનો વાસી અને અખાદ્ય ખોરાકનો જથ્થો નાશ કરવામાં આવ્યો છે, તેમજ ખાદ્ય પદાર્થોના નમૂના લઈને તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.
જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા શહેરના તીન બત્તી વિસ્તાર, કાલાવડ નાકા અને હર્ષદ મિલની ચાલીમાં આવેલા 13 જેટલા નોનવેજ રેસ્ટોરન્ટમાં આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન સ્વચ્છતાના ધોરણો ન જળવાતા એક રેસ્ટોરન્ટને સુધારા નોટિસ ફટકારવામાં આવી હતી, જ્યારે અન્ય એક રેસ્ટોરન્ટમાં ગંભીર અસ્વચ્છતા જણાતા તાત્કાલિક અસરથી તેનું વેચાણ બંધ કરાવવામાં આવ્યું હતું. આ કામગીરીમાં અંદાજિત ₹1,060 ની કિંમતના 4 કિલો વાસી ખોરાકનો સ્થળ પર જ નાશ કરી 4 નમૂનાઓ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
આ ઉપરાંત, મળેલી ફરિયાદના આધારે ફૂડ શાખાની ટીમે સિદ્ધનાથ ફૂડ ઝોન અને આશા બેકર્સમાં પણ તપાસ હાથ ધરી હતી. આ ચેકિંગ દરમિયાન અસ્વચ્છ પરિસ્થિતિમાં રાખવામાં આવેલો 3.6 કિલો ખારી અને 12 કિલો બટેટા મસાલાનો જથ્થો મળી આવ્યો હતો. આરોગ્ય માટે હાનિકારક એવા આ અંદાજિત ₹1,400 ની કિંમતના અખાદ્ય જથ્થાનો તાત્કાલિક નાશ કરવામાં આવ્યો હતો.
આ સમગ્ર ઝુંબેશ દરમિયાન અગાઉની કાર્યવાહી સહિત કુલ 20 કિલો જેટલો વાસી અને બિનઆરોગ્યપ્રદ ખોરાક નાશ કરી બે રેસ્ટોરન્ટને નોટિસ આપવામાં આવી છે. મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા હાથ ધરવામાં આવેલી આ સતત તપાસ અને દંડનાત્મક કાર્યવાહીના પગલે શહેરના રેસ્ટોરન્ટ, હોટલ અને ફાસ્ટ ફૂડના ધંધાર્થીઓમાં ફફડાટ ફેલાયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt