


- ગામના અનુસૂચિત જાતિ પરિવારના ઘરે રાત્રિભોજન કરી રાજ્યપાલ એ સામાજિક સમરસતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું
ગાંધીનગર, 26 નવેમ્બર (હિ.સ.) : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ગોલથરા ગામે પહોંચીને ગ્રામજનો સાથે સ્વચ્છતા અભિયાન અંતર્ગત જાતે ઝાડુ ઉપાડી ગામની શેરીમાં સફાઈ કાર્ય હાથ ધર્યું હતું.
સફાઈ અભિયાન બાદ રાજ્યપાલ એ ગ્રામજનોને સંબોધતાં જણાવ્યું હતું કે, સ્વચ્છતા એ માત્ર સફાઈ કર્મચારીઓની નહીં, પરંતુ સમગ્ર ગ્રામજનોની સહિયારી જવાબદારી છે. ગામમાં સ્વચ્છતા જળવાઈ રહેશે તો બીમારીઓથી મુક્તિ મળશે અને દવાઓ પાછળ થતો બિનજરૂરી ખર્ચ બચશે.
તેમણે મહાત્મા ગાંધીજીના વિચારોને ટાંકીને ઉમેર્યું કે, સ્વચ્છતામાં જ પ્રભુનો વાસ હોય છે. ગંદકી દૂર કરી લોકોને આરોગ્ય બક્ષનાર સફાઈ કર્મચારીઓને રાજ્યપાલશ્રીએ સમાજના સાચા મહાન લોકો ગણાવ્યા હતા અને તેમનું સન્માન કર્યું હતું.
રાજ્યપાલ એ વ્યસન સામે ચિંતા વ્યક્ત કરી હતી અને ગુટખા, તમાકુ તથા દારૂ જેવા વ્યસનો છોડી સ્વસ્થ જીવન જીવવાની ગ્રામજનોને અપીલ કરી હતી.
સ્વચ્છતા બાદ રાજ્યપાલ એ ગોલથરા ગામના અનુસૂચિત જાતિ પરિવારના શ્રી મણિલાલ સોમાભાઈ સોલંકીના ઘરે સામાન્ય નાગરિકની જેમ રાત્રિભોજન લઈ સામાજિક સમરસતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
આ પ્રસંગે ગાંધીનગર જિલ્લા પંચાયત પ્રમુખ રાજુભાઈ પટેલ, કલોલના ધારાસભ્ય બકાજી ઠાકોર, ગાંધીનગર કલેક્ટર રવિન્દ્ર ખટાલે, જિલ્લા વિકાસ અધિકારી ડી. કે. બ્રહ્મભટ્ટ, તાલુકા પંચાયત પ્રમુખ વિષ્ણુભાઈ પટેલ અને સરપંચ પાયલબેન ઠાકોર સહિતના પદાધિકારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ