

- પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના સ્ટોલ્સની મુલાકાત લઈ ખેડૂતો સાથે સંવાદ સાધતા રાજ્યપાલ.
ગાંધીનગર, 26 નવેમ્બર (હિ.સ.) : ગ્રામ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના પ્રવાસે પધારેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં નારદીપુર ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યપાલના બાવનમાં ગ્રામ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત યોજાયેલા આ પરિસંવાદમાં જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના બહુવિધ આર્થિક અને સ્વાસ્થ્યપ્રદ લાભોથી માહિતગાર કરી, પ્રાકૃતિક કૃષિ અપનાવવા પ્રેરિત કરવામાં આવ્યા હતા.
પરિસંવાદમાં ઉપસ્થિત ખેડૂતોને સંબોધતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ પ્રાકૃતિક ખેતી, જૈવિક ખેતી અને રાસાયણિક ખેતી વચ્ચેનો વૈજ્ઞાનિક અને સ્પષ્ટ ભેદ સમજાવ્યો હતો. તેમણે હરિત ક્રાંતિ બાદ જમીનમાં સતત ઘટી રહેલા ઓર્ગેનિક કાર્બનના પ્રમાણ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આજે મોટાભાગની જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ ઘટીને માત્ર ૦.૫ ટકા જેટલું રહી ગયું છે. રાસાયણિક ખેતીમાં નાઈટ્રોજનના વધુ પડતા ઉપયોગથી જમીનના મિત્ર ગણાતા અળસિયા અને સૂક્ષ્મ જીવાણુઓ નાશ પામે છે, જેના પરિણામે ફળદ્રુપ જમીન દિન-પ્રતિદિન બંજર બની રહી છે. તેમણે હરિયાણાના કુરુક્ષેત્ર સ્થિત ગુરુકુળના પ્રાકૃતિક ફાર્મના પોતાના પ્રત્યક્ષ અનુભવો વર્ણવીને પ્રાકૃતિક ખેતી થકી જમીનની ગુણવત્તા અને ઉત્પાદનમાં આવેલા અભૂતપૂર્વ સકારાત્મક પરિવર્તનની માહિતી આપી હતી.
રાજ્યપાલ એ વર્તમાન જીવનશૈલીમાં બદલાવ લાવવાની તાતી જરૂરિયાત પર ભાર મૂકતા ઉમેર્યું હતું કે, ખેતીમાં રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુનાશક દવાઓના બેફામ ઉપયોગથી જમીન, પાણી અને હવા પ્રદૂષિત થયા છે. આ ઝેરયુક્ત ખેતપેદાશોના સેવનથી સમાજમાં કેન્સર, હૃદયરોગ, બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવા અસાધ્ય રોગોનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે. આજના વૈશ્વિક જળવાયુ સંકટ સામે લડવા અને ભાવી પેઢી માટે કુદરતી સંસાધનો બચાવવા પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર શ્રેષ્ઠ વિકલ્પ છે. તેમણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનને સફળ બનાવવા તથા દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી થકી ખેડૂતો અને દેશના અર્થતંત્રને સમૃદ્ધ બનાવવા સૌને સહિયારો પુરુષાર્થ કરવા અપીલ કરી હતી.
આ અવસરે જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો દ્વારા પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના વિવિધ સ્ટોલ્સનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું. રાજ્યપાલ એ પ્રત્યેક સ્ટોલની મુલાકાત લઈ ખેતપેદાશોની ગુણવત્તાની ઝીણવટભરી ચકાસણી કરી હતી અને ખેડૂતો સાથે સીધો સંવાદ સાધ્યો હતો. રાજ્યપાલ એ જમીની સ્તરની વાસ્તવિકતા જાણવા ખેડૂતોને પ્રશ્ન પૂછ્યો હતો કે શું પ્રાકૃતિક ખેતી ખરેખર તેમના માટે લાભદાયક સાબિત થઈ છે? જેના પ્રત્યુત્તરમાં ખેડૂતોએ ઉત્સાહભેર જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી અપનાવ્યા બાદ તેમના ખેતી ખર્ચમાં મોટો ઘટાડો થયો છે અને ઉત્પાદન તથા આવકમાં નોંધપાત્ર વધારો થયો છે.
કાર્યક્રમના પ્રારંભે ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી દિગંત બ્રહ્મભટ્ટે શાબ્દિક સ્વાગત કરતા રાજ્યપાલના જિલ્લા પ્રવાસ દરમિયાન યોજાયેલા વિવિધ જનકલ્યાણકારી કાર્યક્રમોની રૂપરેખા આપી હતી.
આ પરિસંવાદમાં ગાંધીનગર જિલ્લા પંચાયત પ્રમુખ રાજેશ પટેલ, ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર, તાલુકા પંચાયત પ્રમુખ વિષ્ણુ પટેલ, જિલ્લા કલેક્ટર રવિન્દ્ર ખતાલે, નારદીપુરના સરપંચ રચનાબેન ઠાકોર, જિલ્લા પંચાયત સદસ્ય કેતન પટેલ, લાલજીભાઈ આત્માના સુરેન્દ્રનગરના પ્રોજેક્ટ ડાયરેક્ટર બી.એ.પટેલ સહિત વહીવટીતંત્રના અધિકારીઓ, માસ્ટર ટ્રેનર્સ, કૃષિ સખી બહેનો, પશુપાલકો અને બહોળી સંખ્યામાં પ્રગતિશીલ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ