રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ પ્રગતિશીલ ખેડૂત રવાજી ઠાકોરના ‘આઝાદ મૉડલ પ્રાકૃતિક ફાર્મ’ની મુલાકાત લીધી
દેશી ગાયનું સ્વહસ્તે દુગ્ધ દોહન કરી ગૌ-આધારિત પ્રાકૃતિક કૃષિના મહત્વ પર ભાર મૂકતા. ગાંધીનગર, 26 નવેમ્બર (હિ.સ.) : રાજ્યમાં પ્રાકૃતિક કૃષિના જનઅભિયાનને વધુ વેગ આપવાના ઉમદા આશય સાથે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ ગાંધીનગર જિલ્લાના ગોલથરા ગામની
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત


રાજ્યપાલ આચાર્ય દેવવ્રત


- દેશી ગાયનું સ્વહસ્તે દુગ્ધ દોહન કરી ગૌ-આધારિત પ્રાકૃતિક કૃષિના મહત્વ પર ભાર મૂકતા.

ગાંધીનગર, 26 નવેમ્બર (હિ.સ.) : રાજ્યમાં પ્રાકૃતિક કૃષિના જનઅભિયાનને વધુ વેગ આપવાના ઉમદા આશય સાથે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ ગાંધીનગર જિલ્લાના ગોલથરા ગામની મુલાકાત લઈ પ્રગતિશીલ ખેડૂત રવાજી ઠાકોરના મોડલ ફાર્મનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. રાજ્યપાલ એ ‘આઝાદ મૉડલ પ્રાકૃતિક ફાર્મ’ની મુલાકાત લઈ ઉપસ્થિત કૃષિકારોને પ્રાકૃતિક કૃષિના સિદ્ધાંતો અને વ્યવહારુ પદ્ધતિઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.

આ મુલાકાત દરમિયાન રાજ્યપાલ એ ગામના અન્ય પ્રગતિશીલ ખેડૂત મનાજી ઠાકોરના ફાર્મની પણ મુલાકાત લીધી હતી. અહીં રાજ્યપાલશ્રીએ સ્વહસ્તે દેશી ગાયનું દુગ્ધ દોહન કરી ભારતીય નસલની ગાયોના સંવર્ધન, ગૌ-પાલન અને ગૌ-આધારિત જીવનશૈલીનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિના કેન્દ્રમાં દેશી ગાય રહેલી છે, કારણ કે દેશી ગાયના છાણ અને ગૌમૂત્રમાં અસંખ્ય સૂક્ષ્મ જીવાણુઓ રહેલા છે, જે જમીનની ફળદ્રુપતા વધારવામાં અત્યંત મહત્વનો ભાગ ભજવે છે.

રાજ્યપાલ એ વર્ષોથી સફળતાપૂર્વક પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂત રવાજી ઠાકોરના ‘આઝાદ મોડલ પ્રાકૃતિક ફાર્મ’ની પ્રત્યક્ષ મુલાકાત દરમ્યાન ફાર્મની ફળદ્રુપ અને પોચી જમીનની ગુણવત્તા, જમીનમાં અળસિયાની વિપુલ હાજરી તેમજ લહેરાતા વૃક્ષો અને સમૃદ્ધ પાક જોઈને અત્યંત આનંદ અને સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે આઝાદ ફાર્મ ખાતે હળ ચલાવી ગૌ-આધારિત ખેતીને પ્રોત્સાહન આપ્યું હતું તથા રવાજી ઠાકોરના પ્રાકૃતિક ખેતીના પ્રેરણાદાયી પ્રયોગોને બિરદાવતા અન્ય ખેડૂતોને પણ આ મોડલ ફાર્મમાંથી પ્રેરણા લેવા અનુરોધ કર્યો હતો.

આ અવસરે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ખેડૂતોને સંબોધતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ જણાવ્યું હતું કે, આજે રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુનાશકોના અતિરેકને કારણે આપણી માતા સમાન ધરતી બંજર બની રહી છે, પર્યાવરણ પ્રદૂષિત થયું છે અને માનવ સ્વાસ્થ્ય ગંભીર રીતે જોખમાયું છે. આ તમામ સમસ્યાઓમાંથી બહાર આવવાનો અને આવનારી પેઢીને સુરક્ષિત ભવિષ્ય આપવાનો એકમાત્ર સચોટ ઉપાય પ્રાકૃતિક કૃષિ છે.

રાજ્યપાલ એ પ્રાકૃતિક કૃષિના મુખ્ય આયામો જેવા કે જીવામૃત, ઘનજીવામૃત અંગે ખેડૂતોને સરળ ભાષામાં વિસ્તૃત અને વ્યવહારુ સમજણ આપી હતી. તેમણે કૃષિકારોને બજાર આધારિત મોંઘા ખાતરો છોડીને ઘરે જ પ્રાકૃતિક ખાતરો તૈયાર કરી ઓછા ખર્ચે વધુ અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવા આહ્વાન કર્યું હતું.

આ કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત ખેડૂતોની સમજણ માટે જીવામૃતની બનાવટનું પ્રત્યક્ષ નિદર્શન યોજવામાં આવ્યું હતું, જેમાં છાણ, ગૌમૂત્ર, ગોળ, ચણાનો લોટ અને વડ કે પીપળા નીચેની માટીના યોગ્ય પ્રમાણ તેમજ તેના ઉપયોગની વૈજ્ઞાનિક રીત વિશે તલસ્પર્શી માહિતી પૂરી પાડવામાં આવી હતી. સાથે જ પ્રાકૃતિક કૃષિથી નિર્મિત પ્રોડક્ટના સ્ટોલની પણ રાજ્યપાલ એ મુલાકાત લીધી હતી.

રાજ્યપાલની આ ગ્રામ્ય મુલાકાત દરમિયાન જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ, ખેતીવાડી વિભાગના અધિકારીઓ, સ્થાનિક પદાધિકારીઓ, અગ્રણીઓ તેમજ આસપાસના વિસ્તારના પ્રગતિશીલ ખેડૂતો અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande