
ભાવનગર, 26 નવેમ્બર (હિ.સ.) : શૈત્રુંજી સિંચાઈ સલાહકાર સમિતિની બેઠકમાં ડેમના પાણી વિતરણ અને ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવાના મુદ્દે ચર્ચા દરમિયાન ગરમાગરમી જોવા મળી હતી. બેઠકમાં જળ જાળવણી વિભાગના અધ્યક્ષ, તળાજાના ધારાસભ્ય, સિંચાઈ સલાહકાર સમિતિના વિવિધ હોદ્દેદારો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યપાલક ઇજનેર નરેન્દ્રકુમાર તરસરીયાએ શૈત્રુંજી ડેમના પાણીના આયોજન અંગે રજૂઆત કરી હતી અને ખેડૂતોને મર્યાદિત પાણીનો ઉપયોગ કરવા અપીલ કરી હતી. જોકે, આ રજૂઆત સામે ભરતસિંહ વાળાએ તીખા શબ્દોમાં સિંચાઈ વિભાગને આડેહાથ લીધો હતો.
તેમણે ભાવનગર મહાનગરપાલિકા પાસે શૈત્રુંજી ડેમના પાણીના વેરા પેટે 205 કરોડ રૂપિયાથી વધુની રકમ બાકી હોવાનો મુદ્દો ઉઠાવી આ રકમ વસૂલવા માંગ કરી હતી. સાથે ખેડૂતોને 15 ડિસેમ્બરથી 30 એપ્રિલ સુધી નિયમિત પાણી આપવા તથા સિંચાઈના સમયગાળા દરમિયાન આગળ-પાછળ સમાન પ્રમાણમાં પાણી વિતરણ કરવા રજૂઆત કરી હતી.
બેઠકમાં તળાજાના ધારાસભ્યએ શૈત્રુંજી ડેમમાં બે વર્ષ સુધી ચાલે તેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવાનું જણાવ્યું હતું. એક તરફ પાણીના જથ્થાની પૂરતી હોવાની રજૂઆત અને બીજી તરફ ખેડૂતોને ઓછું પાણી આપવાની સલાહ વચ્ચેની વિરોધાભાસી સ્થિતિ બેઠકમાં ચર્ચાનો વિષય બની હતી. ખેડૂતોના પાણીના પ્રશ્ને સિંચાઈ વિભાગની કામગીરી સામે સવાલો ઊઠ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA