જામનગર મનપાની બાકી વેરાની વસુલાત માટે મનપાની કડક કાર્યવાહી: દરેડ નજીક જેટકોનો વર્કશોપ સીલ
રૂ.60.44 લાખનો હાઉસ ટેક્સ બાકી હોવાથી મિલકત વેરા શાખાનું પગલું; સપ્ટેમ્બરથી શરૂ થયેલી ઝુંબેશમાં રૂ.561.82 કરોડની વસુલાતનો લક્ષ્યાંક. જામનગર, 26 નવેમ્બર (હિ.સ.) : જામનગર મહાનગરપાલિકાએ 561.82 કરોડના બાકી વેરાની વસુલાત માટે કડક ઝુંબેશ શરૂ કરી છે. જ
કોર્પોરેશન


- રૂ.60.44 લાખનો હાઉસ ટેક્સ બાકી હોવાથી મિલકત વેરા શાખાનું પગલું; સપ્ટેમ્બરથી શરૂ થયેલી ઝુંબેશમાં રૂ.561.82 કરોડની વસુલાતનો લક્ષ્યાંક.

જામનગર, 26 નવેમ્બર (હિ.સ.) : જામનગર મહાનગરપાલિકાએ 561.82 કરોડના બાકી વેરાની વસુલાત માટે કડક ઝુંબેશ શરૂ કરી છે. જે અંતર્ગત મિલકત વેરા શાખાએ બુધવારે દરેડ નજીક આવેલા જેટકો સબ-સ્ટેશનના વર્કશોપને 60.44 લાખના બાકી હાઉસ ટેક્સ બદલ સીલ કર્યું છે. સપ્ટેમ્બર માસથી ચાલી રહેલી આ ઝુંબેશમાં બાકીદારો સામે સીલિંગ અને નળ જોડાણ કાપવા સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા બાકી રહેતા વેરાની વસુલાત માટે ગત સપ્ટેમ્બર માસથી સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. મનપાના ચોપડે નોંધાયેલા કુલ 561.82 કરોડના બાકી વેરાની રકમ વસુલવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે, જેમાં વિવાદિત સ્વચ્છતા વેરાનો પણ સમાવેશ થાય છે. આ ઝુંબેશના ભાગરૂપે મિલકત વેરા શાખા દ્વારા બુધવારે દરેડ નજીક આવેલા જેટકોના સબ-સ્ટેશનના વર્કશોપ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ વર્કશોપનો 60.44 લાખ રૂપિયા જેટલો હાઉસ ટેક્સ બાકી હોવાથી તંત્ર દ્વારા તેને સીલ મારવામાં આવ્યું છે.

અગાઉના સમયમાં પણ મહાનગરપાલિકા દ્વારા બાકી વેરા મુદ્દે રેલવે અને પોસ્ટ ઓફિસ સહિતની સરકારી મિલકતોને સીલ કરવાના પગલાં ભરવામાં આવ્યા હતા. વર્તમાન ઝુંબેશ હેઠળ તંત્ર દ્વારા સમયાંતરે મિલકતો સીલ કરવાની સાથે નળ જોડાણ કાપવાની કામગીરી પણ ચાલી રહી છે. ચાલુ માસના પ્રથમ સપ્તાહ સુધીમાં વેરા વસુલાત ઝુંબેશ હેઠળ કુલ 2,143 મિલકતોને આવરી લેવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન સ્થળ પર જ 542 આસામીઓ પાસેથી કુલ 3,50,36,101 રૂપિયાની વસુલાત મેળવવામાં આવી હતી.

વસુલાતની આ પ્રક્રિયામાં અન્ય 83 જેટલા આસામીઓ પાસેથી પણ કુલ 1,24,24,273 રૂપિયાની રકમ સ્વીકારવામાં આવી છે. આ ઉપરાંત બાકી વેરો ન ભરનાર મિલકતધારકો સામે કડક વલણ અપનાવીને અગાઉ કુલ 27 મિલકતોને સીલ કરવામાં આવી હતી. બુધવારે જેટકો સબ-સ્ટેશનના વર્કશોપને સીલ કરવામાં આવતા સીલ થયેલી મિલકતોની સંખ્યામાં વધુ એકનો ઉમેરો થયો છે. વેરા વસુલાતના ભાગરૂપે બાકીદારોના 28 જેટલા નળ જોડાણ પણ કાપી નાખવામાં આવ્યા છે.

શહેરના ઔદ્યોગિક વિસ્તારોમાં પણ મોટી રકમનો વેરો બાકી હોવાનું તંત્રના ધ્યાને આવ્યું છે. દરેડ જીઆઈડીસી ફેસ-2 અને ફેસ-3 વિસ્તારમાં જ 17 કરોડ રૂપિયાથી વધુનો વેરો બાકી બોલી રહ્યો છે. આગામી દિવસોમાં પણ મહાનગરપાલિકાની મિલકત વેરા શાખા દ્વારા બાકીદારો સામે સીલિંગ અને નળ જોડાણ કાપવા સહિતની વસુલાતની કામગીરી ચાલુ રાખવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande