
ગાંધીધામ એ ડિવિઝન અને રાપર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા માદક પદાર્થ સંબંધિત બે ગુનામાં સંડોવાયેલા આરોપીને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ઝડપી પાડ્યો
કચ્છ, 26 નવેમ્બર (હિ.સ.) : પૂર્વ કચ્છ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓ અને કાયદાની પકડથી દૂર રહેતા ગુનેગારોને ઝડપી પાડવા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી વિશેષ ઝુંબેશ અંતર્ગત પેરોલ-ફર્લો સ્કવોડને મહત્વપૂર્ણ સફળતા મળી છે. ‘મિશન ફ્યુજિટિવ’ અભિયાન હેઠળ ગાંધીધામ એ ડિવિઝન તથા રાપર પોલીસ મથકમાં NDPS એક્ટ હેઠળ નોંધાયેલા બે અલગ-અલગ ગુનાઓમાં નાસતો ફરતો આરોપી આદિપુરમાંથી ઝડપાયો છે. પોલીસે આરોપીને પકડી આગળની કાયદેસરની કાર્યવાહી માટે ગાંધીધામ એ ડિવિઝન પોલીસને સોંપ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છ-ગાંધીધામના પોલીસ અધિક્ષક સાગર બાગમાર દ્વારા જિલ્લામાં ફરાર આરોપીઓ, તેમજ પેરોલ, ફર્લો અને વચગાળાના જામીન પર મુક્ત થયા બાદ પરત નહીં ફરતા આરોપીઓને શોધી કાઢવા વિશેષ સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓને પગલે પેરોલ-ફર્લો સ્કવોડની ટીમ દ્વારા સતત તપાસ અને શોધખોળ હાથ ધરવામાં આવી રહી હતી.
દરમિયાન પેરોલ-ફર્લો સ્કવોડને ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારો મારફતે ચોક્કસ માહિતી મળી હતી કે બે NDPS ગુનાઓમાં વોન્ટેડ આરોપી આદિપુર વિસ્તારમાં છુપાયો છે. મળેલી માહિતીના આધારે ટીમે તપાસ હાથ ધરી આરોપીનું ચોક્કસ સ્થળ શોધી કાઢ્યું હતું અને સફળતાપૂર્વક તેને ઝડપી પાડ્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, ઝડપાયેલા આરોપીની ઓળખ ઇમરાન અબ્દુલ રાઉમા (ઉંમર 28 વર્ષ), મૂળ લાકડિયા, તાલુકો ભચાઉ અને હાલ આદિપુર તરીકે થઈ છે. આરોપી સામે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુના રજિસ્ટર નંબર 1085/2026 હેઠળ NDPS એક્ટની કલમ 6, 8(C), 15(C), 29 તથા ભારતીય ન્યાય સંહિતાની કલમ 238(B) મુજબ ગુનો નોંધાયેલો છે. જ્યારે રાપર પોલીસ સ્ટેશનમાં ગુના રજિસ્ટર નંબર 0388/2026 હેઠળ NDPS એક્ટની કલમ 8(C), 22(A) અને 29 મુજબ ગુનો નોંધાયેલો છે.
આ સમગ્ર કામગીરી પેરોલ-ફર્લો સ્કવોડના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.સી. વાળાની આગેવાની હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.એન. ઝાલા અને ટીમના અન્ય કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી. બે અલગ-અલગ NDPS ગુનાઓમાં ફરાર આરોપીને ઝડપી પાડવામાં મળેલી આ સફળતાથી પૂર્વ કચ્છ પોલીસની ફરાર આરોપીઓ સામેની ઝુંબેશને વધુ વેગ મળ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar