અંજારમાં જૈન સમાજની અનોખી પહેલ: ‘વડીલ વંદના’ થકી 100 જેટલા વડીલોનું સન્માન
નવી પેઢીને મળ્યો સંસ્કાર અને આશીર્વાદનો વારસો- સવત્સર સામૈયુ 4.0 અંતર્ગત જૈન જાગૃતિ સેન્ટરનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો.- સોની સમાજ વાડી ખાતે વડીલોનું જાહેર અભિવાદન કરી વ્યક્ત કર્યો આદરભાવ. કચ્છ, 26 નવેમ્બર (હિ.સ.) : કોઈપણ સમાજની સાચી ઓળખ તેની સ
અંજાર વડીલ વંદના કાર્યક્રમ


- નવી પેઢીને મળ્યો સંસ્કાર અને આશીર્વાદનો વારસો- સવત્સર સામૈયુ 4.0 અંતર્ગત જૈન જાગૃતિ સેન્ટરનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો.- સોની સમાજ વાડી ખાતે વડીલોનું જાહેર અભિવાદન કરી વ્યક્ત કર્યો આદરભાવ.

કચ્છ, 26 નવેમ્બર (હિ.સ.) : કોઈપણ સમાજની સાચી ઓળખ તેની સંસ્કૃતિ, સંસ્કાર અને વડીલો પ્રત્યેના આદરભાવથી થાય છે. આધુનિક સમયની ભાગદોડ વચ્ચે વડીલોનું મહત્વ અને તેમના જીવનઅનુભવોનું મૂલ્ય નવી પેઢી સુધી પહોંચે તેવા ઉમદા આશય સાથે અંજારની જાણીતી સામાજિક સંસ્થા જૈન જાગૃતિ સેન્ટર દ્વારા સવત્સર સામૈયુ 4.0 અંતર્ગત ‘વડીલ વંદના’ કાર્યક્રમનું ભાવસભર આયોજન કરવામાં આવ્યું હતું. નવા વર્ષના વધામણા સાથે સમસ્ત જૈન સમાજને એક મંચ પર લાવવાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં વડીલો પ્રત્યે કૃતજ્ઞતા અને સન્માનની લાગણી જોવા મળી હતી.

અંજારની સોની સમાજ વાડી ખાતે યોજાયેલા આ સ્નેહમિલન સમારોહમાં જૈન સમાજના મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું વિશેષ આકર્ષણ 70 વર્ષ કે તેથી વધુ વય ધરાવતા વડીલોનું સન્માન રહ્યું હતું. સમાજના વડીલોએ જીવનભર કરેલા સંઘર્ષ, અનુભવ, માર્ગદર્શન અને સમાજના વિકાસમાં આપેલા યોગદાનને બિરદાવવાના આશયથી અંદાજે 90થી 100 જેટલા વડીલોનું સન્માન કરી તેમનું જાહેર અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વડીલોના ચહેરા પર ખુશી અને ઉપસ્થિત જ્ઞાતિજનોમાં ઉત્સાહનો માહોલ છવાયો હતો.

ઉલ્લેખનીય છે કે જૈન જાગૃતિ સેન્ટર દ્વારા વર્ષોથી નવા વર્ષની શરૂઆત નિમિત્તે જ્ઞાતિ સ્નેહમિલનનું આયોજન કરવામાં આવે છે. આ પરંપરાના માધ્યમથી સમાજના સભ્યો એકબીજાને મળે છે, નવા વર્ષની શુભેચ્છાઓની આપ-લે કરે છે અને પરસ્પર સંબંધોને વધુ મજબૂત બનાવે છે. આ વર્ષે સ્નેહમિલનને વડીલોના સન્માન સાથે જોડીને સામાજિક એકતા અને સંસ્કારની ભાવનાને વિશેષ મહત્વ આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમના મુખ્ય દાતા તરીકે સમાજ શ્રેષ્ઠી જીગ્નેશભાઈ દોશી અને ડેનીભાઈ આર. શાહે સહયોગ આપ્યો હતો. જ્યારે સમગ્ર આયોજનની આનુષંગિક વ્યવસ્થાઓનો ખર્ચ જૈન જાગૃતિ સેન્ટર-અંજાર પરિવાર દ્વારા વહન કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે વેલજીભાઈ પુંજ, વનેચંદભાઈ ગઢેચા, ડો. સી.એન. મહેતા, રેખાબેન શાહ, જયેશભાઈ શાહ, પ્રતિમાબેન વોરા અને શિરીષભાઈ હરિયા સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના સભ્યોએ આયોજનથી માંડીને વિવિધ વ્યવસ્થાઓ સુધી જહેમત ઉઠાવી હતી.

વડીલોનું સન્માન માત્ર એક કાર્યક્રમ પૂરતું ન રહે, પરંતુ આવનારી પેઢી માટે આદર, કૃતજ્ઞતા અને સંસ્કારની પ્રેરણા બને તેવો સંદેશ આ ‘વડીલ વંદના’ કાર્યક્રમ દ્વારા આપવામાં આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande