



- વાહનચાલકનો રોફ ઉતારી કાળા કાચ દૂર કરાવ્યા, દંડનીય કાર્યવાહી.- વાયરલ વીડિયોના આધારે પોલીસે હ્યુમન સોર્સની મદદથી કારચાલકને શોધી કાયદાનું ભાન કરાવ્યું.
કચ્છ, 26 નવેમ્બર (હિ.સ.) : ગાંધીધામમાં વાહનચાલકો દ્વારા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરી રસ્તા પર પોતાની અલગ ઓળખ અને રોફ જમાવવાના પ્રયાસો સામે હવે પોલીસ સક્રિય બની છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયો બાદ પૂર્વ કચ્છની સીટી ટ્રાફિક પોલીસે કરેલી કાર્યવાહી ચર્ચાનો વિષય બની છે. કારના કાચ પર કાળી ફિલ્મ લગાવીને ફરતા એક વાહનચાલકને આખરે પોલીસે શોધી કાઢ્યો હતો અને તેની કારમાંથી કાળા કાચ દૂર કરાવી કાયદેસરની દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ, બે દિવસ અગાઉ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટાટા હેરિયર કારનો એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં કારના કાચ પર કાળી ફિલ્મ લગાવેલી જોવા મળતી હતી. જાહેર રસ્તા પર કાળા કાચવાળી કાર લઈને ફરતા વાહનચાલકનો વીડિયો સામે આવતાં ટ્રાફિક નિયમોના પાલન અને આવા વાહનચાલકો સામે કાર્યવાહીનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો હતો. આ વીડિયો પોલીસના ધ્યાન પર આવતાં જ વાહનચાલકની ઓળખ કરી તેની સામે કાર્યવાહી કરવા માટે તપાસ શરૂ કરવામાં આવી હતી.
સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયાના માર્ગદર્શન હેઠળ પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમાર દ્વારા જિલ્લામાં બેફામ રીતે વાહન ચલાવતા તેમજ ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. આ સૂચનાના અનુસંધાને સીટી ટ્રાફિક પોલીસ દ્વારા વાયરલ વીડિયોમાં દેખાતી ટાટા હેરિયર કાર અને તેના ચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા હ્યુમન સોર્સની મદદથી વાહનચાલકને શોધી કાઢવામાં આવ્યો હતો.
ત્યારબાદ પોલીસે વાહનમાંથી નિયમવિરોધી કાળા કાચ દૂર કરાવી વાહનચાલક સામે દંડનીય કાર્યવાહી કરી હતી. આ સમગ્ર કામગીરી સીટી ટ્રાફિક પોલીસના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.સી. ગોહિલની આગેવાની હેઠળ પોલીસ કોન્સ્ટેબલ અનિલકુમાર ખુમાણભાઈ તથા ટીઆરબી સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.
આ કાર્યવાહી દ્વારા ગાંધીધામ ટ્રાફિક પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સોશિયલ મીડિયા પર વાયરલ થતા વીડિયો પણ કાયદાના ભંગ સામે કાર્યવાહીમાં મહત્વની કડી બની શકે છે. વાહનચાલક ગમે તેવા મોંઘા કે લક્ઝરી વાહનમાં ફરતો હોય, પરંતુ ટ્રાફિકના નિયમોનું પાલન કરવું દરેક માટે ફરજિયાત છે. રસ્તા પર રોફ જમાવવા કરતાં કાયદાનું સન્માન કરવું જ સમજદારી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar