નખત્રાણામાં માનવતાની અનોખી પહેલ: દિવ્યાંગોને મળશે કૃત્રિમ હાથ-પગથી લઈને વ્હીલચેર સુધીની સહાય
રાપર સ્વામિનારાયણ ગુરુકુળના રજત જયંતિ મહોત્સવ નિમિત્તે દેવાસી હોસ્પિટલમાં યોજાયો વિશેષ સેવા કેમ્પ.- નોંધાયેલા લાભાર્થીઓને ડિસેમ્બરમાં વિનામૂલ્યે સાધનો અર્પણ કરાશે. કચ્છ, 26 નવેમ્બર (હિ.સ.) : કોઈના જીવનમાં ચાલવાની શક્તિ પાછી આવે, કોઈ પોતાના પગ પર
નખત્રાણા મેડિકલ કેમ્પ યોજાયો


- રાપર સ્વામિનારાયણ ગુરુકુળના રજત જયંતિ મહોત્સવ નિમિત્તે દેવાસી હોસ્પિટલમાં યોજાયો વિશેષ સેવા કેમ્પ.- નોંધાયેલા લાભાર્થીઓને ડિસેમ્બરમાં વિનામૂલ્યે સાધનો અર્પણ કરાશે.

કચ્છ, 26 નવેમ્બર (હિ.સ.) : કોઈના જીવનમાં ચાલવાની શક્તિ પાછી આવે, કોઈ પોતાના પગ પર ઊભા રહી શકે અને કોઈ દિવ્યાંગ વ્યક્તિ આત્મનિર્ભરતાની દિશામાં આગળ વધી શકે, તેનાથી મોટી માનવસેવા બીજી કઈ હોઈ શકે? આવા જ સેવાભાવને સાકાર કરવાના ઉદ્દેશ સાથે નખત્રાણામાં સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા દિવ્યાંગજનો માટે વિશેષ સાધન સેવા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પહેલ અનેક પરિવારો માટે આશાનું નવું કિરણ બની છે.

રાપર સ્વામિનારાયણ ગુરુકુળના 25મા રજત જયંતિ મહોત્સવની ઉજવણીના ભાગરૂપે નખત્રાણાની દેવાસી હોસ્પિટલ ખાતે બે દિવસીય કેમ્પ યોજાયો હતો. જેમાં કચ્છના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં દિવ્યાંગ ભાઈ-બહેનો સહાય મેળવવાની આશા સાથે પહોંચ્યા હતા. કેમ્પ દરમિયાન નિષ્ણાતોની ટીમ દ્વારા લાભાર્થીઓની શારીરિક જરૂરિયાત મુજબ કૃત્રિમ હાથ-પગ અને કેલિપર માટે જરૂરી માપ લેવામાં આવ્યાં હતાં. કૃત્રિમ પગનું ટ્રાયલ કરાવી લાભાર્થીઓને ચાલવાની પ્રેક્ટિસ પણ કરાવવામાં આવી હતી, જેથી તેમને ભવિષ્યમાં સરળતાથી તેનો ઉપયોગ કરવામાં મદદ મળી શકે.

આ ઉપરાંત જરૂરિયાતમંદ દિવ્યાંગજનોને સાઇકલ, વ્હીલચેર, ટ્રાયસિકલ, વોકર, વોકિંગ સ્ટિક અને ક્રચીસ જેવા સાધનો ઉપલબ્ધ કરાવવા માટે નોંધણી કરવામાં આવી હતી. આ સમગ્ર આયોજનનો મુખ્ય હેતુ દિવ્યાંગ વ્યક્તિઓની રોજિંદી મુશ્કેલીઓ ઘટાડીને તેમને વધુ સ્વતંત્ર અને સન્માનભર્યું જીવન જીવવાની તક પૂરી પાડવાનો છે.

આ સેવાકાર્યમાં મથલ ગુરુકુળના પુરાણી સ્વામી જયકૃષ્ણદાસજી, શાસ્ત્રી સ્વામી શ્યામકૃષ્ણદાસજી, સ્વામી જયહરિદાસજી તથા પાર્ષદ મયુર ભગતની ઉપસ્થિતિ રહી હતી. દેવાસી હોસ્પિટલના પ્રમુખ કિર્તીભાઈ સાંખલા સહિત ટ્રસ્ટીઓ અને નખત્રાણા સ્વામિનારાયણ મંદિરના હરિભક્તોએ પણ આયોજનમાં સહયોગ આપ્યો હતો. હોસ્પિટલ ખાતે કેમ્પની વ્યવસ્થા કરવામાં સંગ્રામસિંહ બાપુનો વિશેષ સહયોગ રહ્યો હતો.

આ કેમ્પમાં નોંધાયેલા તમામ લાભાર્થીઓને આગામી 22થી 26 ડિસેમ્બર દરમિયાન રાપર ગુરુકુળ ખાતે યોજાનારા રજત જયંતિ મહોત્સવમાં જરૂરી સાધનો અર્પણ કરવામાં આવશે. ખાસ વાત એ છે કે લાભાર્થીઓને નખત્રાણા સહિતના વિસ્તારોમાંથી રાપર સુધી લાવવા અને પરત પહોંચાડવાની જવાબદારી પણ ગુરુકુળ દ્વારા નિભાવવામાં આવશે. જ્યારે વ્હીલચેર અને ટ્રાયસિકલ જેવા સાધનો જરૂરિયાતમંદોના વિસ્તાર સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

ધાર્મિક મહોત્સવને લોકસેવા સાથે જોડતી આ પહેલ દર્શાવે છે કે સાચી ઉજવણી ત્યારે જ સાર્થક બને છે, જ્યારે તેના થકી સમાજના જરૂરિયાતમંદ વર્ગના જીવનમાં હકારાત્મક પરિવર્તન આવે. દિવ્યાંગજનોને સાધનોની સાથે આત્મવિશ્વાસ અને સ્વાવલંબનની ભેટ આપતો આ સેવા યજ્ઞ માનવતા અને સામાજિક જવાબદારીનું પ્રેરણાદાયી ઉદાહરણ બન્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande