
- પાલારા ખાસ જેલમાંથી વચગાળાના જામીન પર છૂટ્યા બાદ ગાયબ થયેલા ઇનામી આરોપીને પેરોલ-ફર્લો સ્ક્વોડે ટેકનિકલ સર્વેલન્સની મદદથી જોધપુર નજીકથી ઝડપી પાડ્યો.
કચ્છ, 26 નવેમ્બર (હિ.સ.) : કચ્છ પોલીસની પેરોલ-ફર્લો સ્ક્વોડને ફરાર કેદીઓને પકડવાની ઝુંબેશ દરમિયાન મોટી સફળતા મળી છે. પાલારા ખાસ જેલમાંથી વચગાળાના જામીન પર મુક્ત થયા બાદ છેલ્લા પાંચ વર્ષથી પોલીસની પકડથી દૂર રહેલા અને ફરાર જાહેર થયેલા ઇનામી આરોપીને રાજસ્થાનના જોધપુર નજીકથી ઝડપી લેવામાં આવ્યો છે. આરોપી પંજાબથી રાજસ્થાન સુધી વારંવાર મુસાફરી કરતો હોવાની વિગતોના આધારે પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને ટ્રાવેલિંગ હિસ્ટ્રીનો ઉપયોગ કરીને તેને શોધી કાઢ્યો હતો.
પકડાયેલા આરોપીની ઓળખ સુખજીન્દરસિંગ ઉર્ફે સુખી હજુરાસિંગ જાટ (સરદાર), ઉંમર 43 વર્ષ, રહે. કોડાયપુલ, શ્રીનાથજીનગર, ગુરુકુળ પાસે, માંડવી-કચ્છ તરીકે થઈ છે. આરોપી સામે માંડવી પોલીસ સ્ટેશનમાં વર્ષ 2019 દરમિયાન હત્યા, લૂંટ, ગુનાહિત કાવતરું, પુરાવાનો નાશ, આર્મ્સ એક્ટ તથા જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધાયેલો છે.
આરોપીઓને પકડવા માટે બોર્ડર રેન્જના આઈજીપી ચિરાગ કોરડીયાએ 15થી 30 નવેમ્બર દરમિયાન વિશેષ ઝુંબેશ શરૂ કરાવી હતી. જ્યારે પશ્ચિમ કચ્છના પોલીસ અધિક્ષક વિકાસ સુંડાએ પણ 21થી 30 નવેમ્બર સુધી ખાસ ડ્રાઇવ યોજી હતી. આ કામગીરીના ભાગરૂપે પેરોલ-ફર્લો સ્ક્વોડે ફરાર કેદીની શોધખોળ તેજ કરી હતી.
તપાસ દરમિયાન આરોપી વોટ્સએપનો ઉપયોગ કરતો હોવાની માહિતી મળતાં પોલીસ ટીમે તેના ડિજિટલ સંપર્કોનું વિશ્લેષણ શરૂ કર્યું હતું. શંકાસ્પદ જીમેઇલ એકાઉન્ટની વિગતોના આધારે આઈપી એડ્રેસ અને આઈપીડીઆર મેળવી ટેકનિકલ તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ મોબાઇલ નંબર મેળવી તેના કોલ ડિટેઇલ રેકોર્ડનું વિશ્લેષણ કરતાં આરોપી અવારનવાર પંજાબથી રાજસ્થાન બાય રોડ મુસાફરી કરતો હોવાનું સામે આવ્યું હતું.
વધુ તપાસમાં જામનગર-અમૃતસર ભારતમાલા હાઇવે પરના ટોલ પ્લાઝાની ટ્રાવેલિંગ હિસ્ટ્રી મેળવવામાં આવી હતી. જેમાં જોધપુર નજીક ઉગલાઈ ગામ પાસે તે વારંવાર રાત્રિ રોકાણ કરતો હોવાની કડી મળી હતી. આ આધારે 25 નવેમ્બરે મોબાઇલ લોકેશનની તપાસ કરતાં ઉગલાઈ-જોધપુર રોડનું લોકેશન મળ્યું હતું.
પોલીસ ટીમે જરૂરી મંજૂરી મેળવી રાજસ્થાનમાં તપાસ હાથ ધરતાં નાગરેચા હોટલ ખાતે આરોપી મળી આવ્યો હતો. 26 નવેમ્બરે સવારે 7:05 વાગ્યે તેને ઝડપી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ બાલેસર (જોધપુર) પોલીસ સ્ટેશનમાં જરૂરી નોંધ કરાવી આગળની કાર્યવાહી માટે તેનો કબજો પાલારા ખાસ જેલ, ભુજને સોંપવામાં આવ્યો હતો.
આ સમગ્ર કામગીરી પેરોલ-ફર્લો સ્ક્વોડના પીએસઆઈ એમ.એલ. વાઘેલાના નેતૃત્વમાં એએસઆઈ હરિલાલ બારોટ સહિતની ટીમે ટેકનિકલ સર્વેલન્સની મદદથી પાર પાડી હતી. પાંચ વર્ષથી ફરાર રહેલા કેદીને પકડવામાં કચ્છ પોલીસને મળેલી આ સફળતા ગુનેગારોને શોધવા માટે આધુનિક ટેકનિક અને સતત પોલીસ મોનિટરિંગની અસરકારકતાનું ઉદાહરણ બની છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar