સુરજબારી ચેકપોસ્ટ પર પોલીસની બાજ નજર: સિયાઝ કારની ડેકીમાંથી વિદેશી દારૂની ખેપ ઝડપાઈ, બે શખ્સોની ધરપકડ
રૂ.3.43 લાખથી વધુનો મુદ્દામાલ કબજે; 23 બોટલ વિદેશી દારૂ, 144 બિયર ટીન, કાર અને બે મોબાઈલ ફોન જપ્ત. કચ્છ, 26 નવેમ્બર (હિ.સ.) : પૂર્વ કચ્છમાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી સામે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહી અંતર્ગત સામખીયારી પોલીસે સુરજબાર
સૂરજબારી નજીકથી પકડાયેલો વિદેશી દારૂ


- રૂ.3.43 લાખથી વધુનો મુદ્દામાલ કબજે; 23 બોટલ વિદેશી દારૂ, 144 બિયર ટીન, કાર અને બે મોબાઈલ ફોન જપ્ત.

કચ્છ, 26 નવેમ્બર (હિ.સ.) : પૂર્વ કચ્છમાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી સામે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહી અંતર્ગત સામખીયારી પોલીસે સુરજબારી ચેકપોસ્ટ પરથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. વાહન ચેકિંગ દરમિયાન શંકાસ્પદ જણાયેલી મારુતિ સિયાઝ કારની તલાશી લેતાં તેની ડેકીમાં સંતાડીને લઈ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કારમાં સવાર બે શખ્સોની ધરપકડ કરી કુલ રૂ.3,43,778નો મુદ્દામાલ કબજે કર્યો છે.

પોલીસની આ કામગીરી પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમારની સૂચના અને માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. જિલ્લામાં દારૂના ગેરકાયદેસર વેચાણ અને હેરાફેરી પર અંકુશ લાવવા તેમજ પ્રોહિબિશન સંબંધિત ગુનાઓ શોધી કાઢવા આપવામાં આવેલી સૂચનાઓના અનુસંધાને ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડાના માર્ગદર્શન હેઠળ સામખીયારી પોલીસ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

આ દરમિયાન સુરજબારી પોલીસ ચેકપોસ્ટ પરથી પસાર થતી સફેદ રંગની મારુતિ સિયાઝ કાર નંબર GJ-27-AH-7088ને પોલીસે અટકાવી હતી. કારની ઝીણવટભરી તપાસ કરતાં ડેકીમાં છુપાવેલો દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં રોયલ સ્ટેગ ડિલક્સ વ્હિસ્કીની 750 એમએલની 23 બોટલ, જેની કિંમત રૂ.15,778 થાય છે, જ્યારે કિંગફિશર રિગલ સ્ટ્રોંગ પ્રીમિયમ બિયરના 500 એમએલના 144 ટીન, જેની કિંમત રૂ.18 હજાર આંકવામાં આવી છે.

પોલીસે દારૂના જથ્થા ઉપરાંત રૂ.3 લાખની મારુતિ સિયાઝ કાર અને રૂ.70 હજારની કિંમતના બે મોબાઈલ ફોન પણ કબજે કર્યા હતા. આમ, કુલ રૂ.3,43,778નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ પ્રકરણમાં સંજયભાઈ રતાભાઈ ચૌધરી (ઉંમર 35, હાલ રહે. મુન્દ્રા, મૂળ રાધનપુર) અને રાણુભા કનુભા પરમાર (ઉંમર 39, હાલ રહે. મોટા કપાયા, મૂળ મોટી પીપળી, રાધનપુર)ની ધરપકડ કરવામાં આવી છે.

સામખીયારી પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરજબારી જેવા મહત્વના માર્ગ પર વાહન ચેકિંગ દરમિયાન ઝડપાયેલા આ જથ્થાને પગલે દારૂની હેરાફેરી કરતા તત્ત્વોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસ દ્વારા દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે સહિતની બાબતોની તપાસ કરવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande