સુરતના અલથાણમાં લોન્ડ્રીની દુકાનમાં ભીષણ આગ, ગ્રાહકોનાં કપડાં બળીને ખાખ
સુરત, 26 નવેમ્બર (હિ.સ.): સુરતના અલથાણ વિસ્તારમાં મધરાતના સમયે રાજકુમારી લોન્ડ્રીમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. અલથાણ ગાર્ડનની બાજુમાં આવેલી દુકાન નંબર-04માં લાગેલી આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેના કારણે ઇસ્ત્રી માટે મ
Major Fire at a Laundry Shop


સુરત, 26 નવેમ્બર (હિ.સ.): સુરતના અલથાણ વિસ્તારમાં મધરાતના સમયે રાજકુમારી લોન્ડ્રીમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. અલથાણ ગાર્ડનની બાજુમાં આવેલી દુકાન નંબર-04માં લાગેલી આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેના કારણે ઇસ્ત્રી માટે મૂકવામાં આવેલા ગ્રાહકોનાં તમામ કપડાં બળીને ખાખ થઈ ગયા હતા અને દુકાનમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

આગ લાગવાની જાણ થતાં દુકાનમાં કામ કરતા 50 વર્ષીય કારીગર ભોલારામ રજીભાઈએ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ દરમિયાન તેમના હાથ અને આંખના ભાગે દાઝી જવાથી તેઓ ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાની માહિતી મળતાં જ સુરત ફાયર વિભાગની ટીમ લીંબાયત અને ભીમરાડ ફાયર સ્ટેશનથી તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી.

ફાયર વિભાગના જવાનોએ અંદાજે 30થી 45 મિનિટની ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. ત્યારબાદ તપાસ દરમિયાન દુકાનમાં ગેસનો બાટલો લીકેજ હોવાનું જાણવા મળ્યું હતું. ફાયર જવાનોએ સમયસૂચકતા દાખવી સાવચેતીપૂર્વક બાટલાને બહાર કાઢ્યો હતો, જેના કારણે સંભવિત બ્લાસ્ટ અને મોટી દુર્ઘટના ટળી હતી. આગની ઘટનામાં દુકાનમાં રહેલો સામાન અને ગ્રાહકોનાં કપડાંને ભારે નુકસાન થયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande