
ભાવનગર, 26 નવેમ્બર (હિ.સ.)સમાજમાં જરૂરિયાતમંદ લોકોની મદદ માટે અનેક સેવાભાવી સંસ્થાઓ કાર્યરત છે. ત્યારે માતૃ ભક્તિ સેવા મંડળ દ્વારા દર મહિને અશક્ત, અસહાય અને આર્થિક રીતે મુશ્કેલીમાં જીવતી 110 વિધવા મહિલાઓને જીવનજરૂરી વસ્તુઓની કીટનું વિતરણ કરવામાં આવે છે. મંડળની આ સેવા અનેક પરિવારો માટે આશાનું કિરણ બની રહી છે.
વિતરણ કરવામાં આવતી કીટમાં પાંચ કિલો ઘઉંનો લોટ, એક લિટર સીંગતેલ, 1.25 કિલો ખીચડી, 250 ગ્રામ ચા, 250 ગ્રામ જીણાગાઠીયા, એક કિલો ખાંડ, બિસ્કિટ, ખાખરા, ટોસ્ટ, ખારી, સેવમમરા સહિતની ખાદ્ય સામગ્રી અને વસ્તુઓ રાખવા માટે થેલો આપવામાં આવે છે.
મહિને દર મહિને નિયમિત રીતે કરવામાં આવતી આ સેવા જરૂરિયાતમંદ મહિલાઓને ઘરખર્ચમાં મદદરૂપ થવાની સાથે તેમના જીવનમાં હૂંફ અને ખુશી લાવવાનો પ્રયાસ છે. અનેક મહિલાઓના ચહેરા પર સ્મિત લાવતી આ પહેલ માનવતા અને સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ બની રહી છે.
આ સેવા સમીરભાઈ, તૃપ્તિબેન, વિશાલભાઈ, નિલેશભાઈ, જોનભાઈ, અશ્વિનભાઈ, યશવંતભાઈ, જયેશાબેન, ભાવનાબેન, ભૂમિબેન, રેખાબેન, કેતનભાઈ, અજયભાઈ અને દિલીપભાઈ સહિતના સહયોગીઓના સહકારથી સતત આગળ વધી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA