
સુરત, 26 નવેમ્બર (હિ.સ.): જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય, સુરત દ્વારા જ્યુવેનાઇલ જસ્ટિસ બોર્ડ/બાળ સુધાર ગૃહ (ઝોનલ ઓબ્ઝર્વેશન હોમ), સુરત ખાતે સંવિધાન દિવસની ઉજવણી તથા ‘નશામુક્ત ભારત’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોમાં બંધારણીય મૂલ્યો, કાયદાકીય જાગૃતિ, સામાજિક જવાબદારી અને નશામુક્ત જીવનશૈલી પ્રત્યે જાગૃતિના આશયથી કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં બાળ સુધાર ગૃહના સુપરિન્ટેન્ડેન્ટ અનિલભાઈ વસાવાએ બાળકોને ભારતીય સંવિધાનના મહત્વ, તેના મૂલ્યો અને નાગરિક તરીકેના અધિકારો તથા ફરજો અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના પેનલ એડવોકેટ રિલેશભાઈ લીંબચિયાએ પોક્સો એક્ટ, સાયબર ક્રાઇમ તેમજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ (DLSA) દ્વારા પૂરી પાડવામાં આવતી વિવિધ કાનૂની સહાય અને કલ્યાણલક્ષી યોજનાઓ અંગે બાળકોને સમજણ આપી હતી.
જ્યારે પ્રદીપભાઈ શિરસાઠે કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકોને ગુનાહિત પ્રવૃત્તિઓ અને અસામાજિક પ્રવૃત્તિઓથી દૂર રહીને સકારાત્મક જીવન તરફ આગળ વધવા પ્રેરિત કર્યા હતા. સાથે જ ડ્રગ્સના સેવનથી થતા નુકસાન અને તેના ગંભીર સામાજિક પરિણામો અંગે સમજણ આપીને ‘ડ્રગ્સ ફ્રી ઇન્ડિયા’ના સંકલ્પને સાકાર કરવા માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે