
સુરત, 26 નવેમ્બર (હિ.સ.) : બ્રેઈન સ્ટ્રોક (લકવો), ખેંચ/વાય, માનસીક ચિંતા, શ્વાસની તકલીફો જેવી ગંભીર બીમારીમાં દર્દીઓને તાત્કાલિક અને સચોટ સારવાર મળી રહે તે હેતુથી નવી સિવિલ હોસ્પિટલ ખાતે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ 12 બેડની સુવિધાઓ સાથે નવા ‘બ્રેઈન સ્ટ્રોક આઇ.સી.યુ..’ (Brain Stroke ICU) નો શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ આઇ.સી.યુ. શરૂ થવાથી સુરત અને દક્ષિણ ગુજરાતના દર્દીઓને હવે કટોકટીના સમયે વધુ ઝડપી અને નિષ્ણાત સારવાર ઉપલબ્ધ બનશે.
બ્રેઈન સ્ટ્રોક, ખેંચ/વાય જેવી તકલીફોની સારવારમાં દરેક મિનિટ ખૂબ જ કીમતી હોય છે, જેને તબીબી ભાષામાં ‘ગોલ્ડન અવર’ (Golden Hour) કહેવામાં આવે છે. જો સ્ટ્રોક આવ્યાના પ્રથમ ૪ થી ૫ કલાકમાં દર્દીને યોગ્ય સારવાર મળી જાય, તો કાયમી ખોડખાંપણ કે જીવનું જોખમ ટાળી શકાય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને નવા બ્રેઈન સ્ટ્રોક યુનિટ ની રચના કરવામાં આવી છે.
નવા બ્રેઈન સ્ટ્રોક આઇ.સી.યુ.ની મુખ્ય વિશેષતાઓ:
બ્રેઈન સ્ટ્રોક, ખેંચ/વાય જેવી તકલીફોની તાત્કાલીક સારવાર માટે 6-6 બેડના પુરુષ અને સ્ત્રિઓના વોર્ડમાં અલગ-અલગ આઇ.સી.યુ. ની સુવિધા ઉપલબ્ધ રહેશે.
24×7 નિષ્ણાત ડોક્ટરોની ટીમ: અનુભવી ન્યુરોલોજીસ્ટ અને ન્યુરોસર્જનની સ્પેશિયાલિસ્ટ ટીમ રાઉન્ડ-ધ-ક્લોક ઉપલબ્ધ રહેશે.
ખેંચ/વાય માટે EEG ની સુવિધા ઉપલબ્ધ રહેશે.
હાથ-પગની નસોની નબળાઇ માટે EMG-NCV ની સુવિધા ઉપલબ્ધ રહેશે.
ખેંચ, માનસીક ચિંતા, શ્વાસની તકલીફો માટે (Polysomnography & Sleep study) ઉંઘનો સમ્પુર્ણ રીપોર્ટ માટે ની સુવિધા ઉપલબ્ધ રહેશે.
અદ્યતન નિદાન અને સારવાર: થ્રોમ્બોલાયસિસ (Thrombolysis - લોહીની ગાંઠ ઓગાળવાની સારવાર) જેવી આધુનિક સારવાર માટેની તમામ સુવિધાઓ એક જ છત નીચે ઉપલબ્ધ છે.
હાઈ-ટેક મોનિટરિંગ સિસ્ટમ: દર્દીના મગજના દબાણ, ઓક્સિજન લેવલ અને અન્ય મહત્વપૂર્ણ પરિબળો પર સતત નજર રાખવા માટે અત્યાધુનિક મોનિટરિંગ અને વેન્ટિલેટર સિસ્ટમ.
બ્રેઈન સ્ટ્રોકના કેસોમાં ઝડપી નિદાન અને ત્વરિત સારવાર જ દર્દીનો જીવ બચાવી શકે છે. નવી સિવિલ હોસ્પિટલ,સુરતના તબીબી અધિક્ષક ડો.પારુલ વડગામા ના માર્ગદર્શન હેઠળ ન્યુરોસર્જરી વિભાગના ડો.મેહુલ મોદી, ન્યુરોલોજી વિભાગના ડો.હરેશ પારેખ, ઈ.આર.એમ.ઓ. ડો.ભરત પટેલ, કિડની બિલ્ડીંગના નોડલ ઓફીસર ડો. ભરત ચાવડા અને નર્સીંગ સુપ્રીટેન્ડેન્ટ ભાવીની પટેલ તેમજ છેલ્લા ૨ વર્ષથી ન્યુરોસર્જરી અને ન્યુરોલોજી વિભાગમાં કાર્યરત રેસીડેન્ટ ડોકટરોના સહયોગથી આ નવું 12 બેડનું ડેડિકેટેડ સ્ટ્રોક યુનિટ/આઇ.સી.યુ. આધુનિક ટેકનોલોજી અને નિષ્ણાત ટીમના સમન્વય સાથે શહેરના લોકોને વિશ્વસ્તરીય ન્યુરો-ક્રિટિકલ કેર પૂરી પાડવા માટે કટિબદ્ધ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે