પાટણ જિલ્લામાં બોગસ તબીબો સામે પોલીસની કાર્યવાહી, ચાર શખ્સો ઝડપાયા
પાટણ, 26 નવેમ્બર (હિ.સ.) : પાટણ જિલ્લાના સમી, સિદ્ધપુર અને પાટણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ અને આરોગ્ય વિભાગે સંયુક્ત દરોડા પાડી માન્ય તબીબી ડિગ્રી કે લાયસન્સ વિના એલોપેથીક સારવાર કરતા ચાર બોગસ તબીબોને ઝડપી લીધા હતા. તેમની પાસેથી દવાઓ, ઈન્જે
પાટણ જિલ્લામાં બોગસ તબીબો સામે પોલીસની કાર્યવાહી, ચાર શખ્સો ઝડપાયા


પાટણ, 26 નવેમ્બર (હિ.સ.) : પાટણ જિલ્લાના સમી, સિદ્ધપુર અને પાટણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ અને આરોગ્ય વિભાગે સંયુક્ત દરોડા પાડી માન્ય તબીબી ડિગ્રી કે લાયસન્સ વિના એલોપેથીક સારવાર કરતા ચાર બોગસ તબીબોને ઝડપી લીધા હતા. તેમની પાસેથી દવાઓ, ઈન્જેક્શન અને મેડિકલ સાધનો સહિત કુલ રૂ.18,249.50નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

સમી તાલુકાના વેડ ગામે દરજી ભીખાભાઈ ડાયાભાઈના ભાડાના મકાનમાં દરોડા દરમિયાન હારીજના 26 વર્ષીય વિશાલજી તલાજી ઠાકોર ઝડપાયા હતા. ધોરણ-12 સુધી અભ્યાસ કરનાર વિશાલજી પાસેથી રૂ.7,841.25ની દવાઓ, ઈન્જેક્શન, સ્ટેથોસ્કોપ અને બીપી મશીન મળી આવ્યા હતા.

સિદ્ધપુર તાલુકાના કુવારા ગામે બે સ્થળે કાર્યવાહી કરવામાં આવી હતી. પ્રથમ સ્થળેથી 44 વર્ષીય સોમાજી ભીખાજી બબાજી ઠાકોર ઝડપાયા હતા, જે દરરોજ 10થી 12 દર્દીઓની તપાસ કરતા હતા. તેમની પાસેથી રૂ.3,759નો મુદ્દામાલ કબજે કરાયો હતો. જ્યારે બીજા સ્થળેથી 33 વર્ષીય મનીષકુમાર નટવરલાલ પટેલ ઝડપાયા હતા. તેઓ પણ લાયસન્સ વિના સારવાર આપતા હતા અને તેમની પાસેથી રૂ.5,120.14ની દવાઓ મળી આવી હતી.

પાટણ તાલુકાના ઓઢવા ગામના ચૌધરીવાસમાં ખુલ્લી જગ્યામાં સારવાર આપતા શંખેશ્વરના મુજપુરના 46 વર્ષીય ઈલમોદિનભાઈ ઉર્ફે ઈલીયાસ જબારભાઈ તુવરને ઝડપી લેવામાં આવ્યા હતા. ગ્રેજ્યુએશન સુધી અભ્યાસ કરનાર ઈલમોદિનભાઈ દરરોજ 10થી 15 દર્દીઓની તપાસ કરતા હતા. તેમની પાસેથી રૂ.1,529.10ની એલોપેથીક દવાઓ કબજે કરવામાં આવી હતી.

આ ચારેય આરોપીઓ સામે BNSની કલમ 319(2) તથા ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની કલમ 30 હેઠળ સંબંધિત પોલીસ મથકોમાં ગુના નોંધવામાં આવ્યા છે. પોલીસે કુલ રૂ.18,249.50નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande