
- ગોંડલ, પડધરી, શાપર અને ઉપલેટામાં એસઓજી તથા સ્થાનિક પોલીસની એકસાથે કાર્યવાહી- એક્ટિવાની ડેકીથી લઈને રહેણાંક મકાનો સુધી દરોડા પાડી સપ્લાયરોની શોધખોળ તેજ કરાઈ
રાજકોટ, 26 નવેમ્બર (હિ.સ.) : રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેપાર સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. એસઓજી અને સ્થાનિક પોલીસની ટીમોએ ગોંડલ, પડધરી, શાપર અને ઉપલેટામાં એકસાથે દરોડા પાડીને અંદાજે દોઢ કિલો ગાંજાનો જથ્થો કબજે કર્યો છે. આ કાર્યવાહીમાં 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે રાજકોટ, ગોંડલ અને જેતપુરના મુખ્ય સપ્લાયરોને પકડી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં ગામેગામ ફેલાયેલા ગાંજાના નેટવર્કને તોડી પાડવા એસઓજી અને સ્થાનિક પોલીસે સંયુક્ત રીતે કવાયત હાથ ધરી છે. પ્રથમ કાર્યવાહીમાં એસઓજી પીઆઈ એફ.એ. પારગીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જી.જે. ઝાલા તથા ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન એએસઆઈ ક્રિપાલસિંહ, હેડ કોન્સ્ટેબલ વિજય વેગડ, નૈમીષ મહેતા અને ચંદુ પલાળીયાએ ગોંડલની ઉમવાડા ચોકડી નજીક રેલવે અન્ડરબ્રિજ પાસે શંકાસ્પદ હાલતમાં ઉભેલા કરણ મનોજ ભંડેરી (રહે. ગોંડલ)ની અટકાયત કરી હતી. તેની એક્ટિવાની ડેકીની તલાશી લેતા તેમાંથી રૂ. 26,300ની કિંમતનો 526 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે વાહન સહિત કુલ રૂ. 86,300નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પૂછપરછમાં આ જથ્થો ગોંડલના અજીતસિંહ પૂંજા ઝાલા પાસેથી લાવ્યો હોવાનું ખુલતા પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે.
બીજા દરોડામાં પડધરી પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે મોવૈયા ગામના હુસેની ચોક ખાતે દરોડો પાડ્યો હતો. અહીં રહેતા વલીસ ઉર્ફે ચીચુબાપુ હુસેન બુખારીના મકાનમાં તપાસ કરતા 255 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે મકાન માલિક વલીસ બુખારીની ધરપકડ કરીને કડક પૂછપરછ હાથ ધરી હતી, જેમાં તેણે આ ગાંજો રાજકોટના રૂખડીયા પરા વિસ્તારમાં રહેતા ઈસ્માઈલ શેખ પાસેથી વેચાણ અર્થે લાવ્યો હોવાની કબૂલાત આપી હતી. આ કબૂલાતના આધારે પોલીસે સપ્લાયર ઈસ્માઈલ શેખને ઝડપી લેવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
ત્રીજી કાર્યવાહીમાં શાપર પોલીસ મથકના પીઆઈ આર.બી. રાણાની રાહબરી હેઠળની ટીમે બાતમીના આધારે બુદ્ધનગર મફતિયાપરા વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. કાસુમા ગેટની અંદર કાસુમા બેરિંગ કંપની સામે આવેલા એક મકાનમાંથી 215 ગ્રામ ગાંજાના જથ્થા સાથે જય કાનજી બગડા (રહે. પારડી)ને ઝડપી લેવાયો હતો. આરોપીની પૂછપરછમાં સામે આવ્યું કે શાપરમાં રહેતા રેહાન ઉર્ફે સાહિલ શાહનવાજ ખરેડીયાને વેચાણ માટે ગાંજાની જરૂર હોવાથી તેણે પોતાની માતા ખેરુન ખરેડીયા પાસેથી માલ લઈ આવવા જણાવ્યું હતું. હાલ શાપર પોલીસે ફરાર સપ્લાયર માતા-પુત્ર ખેરુન અને રેહાન ખરેડીયાની શોધખોળ હાથ ધરી છે.
ચોથા દરોડામાં ઉપલેટા પોલીસની ટીમે રામગઢ વિસ્તારમાં સ્મશાન રોડ પર આવેલા એક રહેણાંક મકાનમાં બાતમીના આધારે તપાસ હાથ ધરી હતી. મકાન માલિક અલ્તાફ અલમશાહ રફાઈના ઘરમાંથી 376.4330 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવતા પોલીસે રૂ. 18,821નો મુદ્દામાલ કબજે કરી તેની ધરપકડ કરી હતી. પોલીસ પૂછપરછમાં અલ્તાફે જણાવ્યું હતું કે જેતપુરનો અપુ બાપુ નામનો શખ્સ તેને વેચાણ અર્થે આ ગાંજો આપી ગયો હતો. આમ, ચારેય દરોડામાં પોલીસે ગાંજાના સ્થાનિક વેચાણકર્તાઓને પકડીને મુખ્ય સપ્લાયરો સુધી પહોંચવા તપાસ તેજ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt