
- બીજલકા પ્રાથમિક શાળા અને લૈયારા વાડી શાળાના કેન્દ્રો માટે આગામી તા.૩ ડિસેમ્બર સુધીમાં મામલતદાર કચેરી ખાતે અરજી કરી શકાશે.
જામનગર, 26 નવેમ્બર (હિ.સ.) : જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાની બીજલકા પ્રાથમિક શાળા અને લૈયારા વાડી શાળામાં ચાલતા મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સંચાલક કમ કૂક, રસોયા અને મદદનીશની ખાલી જગ્યાઓ ભરવા માટે અરજીઓ મંગાવવામાં આવી છે. ધોરણ ૧૦ પાસ અને ૨૦ થી ૬૦ વર્ષની વયમર્યાદા ધરાવતા સ્થાનિક ઉમેદવારો આગામી તા.૩ ડિસેમ્બર સુધીમાં જરૂરી પ્રમાણપત્રો સાથે મામલતદાર કચેરી ખાતે અરજી રજૂ કરી શકશે.
ધ્રોલ તાલુકામાં આવેલ બીજલકા પ્રાથમિક શાળા અને લૈયાળા વાડી શાળામાં કાર્યરત મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સંચાલક કમ કૂક, રસોયા અને મદદનીશની જગ્યા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ યોજના હેઠળ સંચાલક કમ કૂક તરીકે અરજી કરનાર ઉમેદવાર ધોરણ ૧૦ પાસ હોવો જરૂરી છે તેમજ તે જે-તે ગામનો સ્થાનિક રહેવાસી હોવો જોઈએ. અરજદારની ઉંમર ૨૦ થી ૬૦ વર્ષની વચ્ચે હોવી જોઈએ, તે તંદુરસ્ત હોવો જોઈએ અને કોઈપણ ગુનાહિત ઈતિહાસ ધરાવતો ન હોવો જોઈએ. પસંદગી પામનાર લાયકાત ધરાવતા ઉમેદવારોને સરકારના નિયમો અનુસાર નિયત ધોરણ મુજબ માસિક માનદવેતન ચૂકવવામાં આવશે.
આ ભરતી પ્રક્રિયામાં પસંદગી માટે ચોક્કસ અગ્રતા ક્રમ નક્કી કરવામાં આવ્યા છે. અગાઉ મધ્યાહન ભોજન કેન્દ્રોમાં ફરજ બજાવી ચૂકેલા અને જેમના પર કોઈ ગેરરીતિના આક્ષેપ ન થયા હોય તેવા યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોને સૌપ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે. આ ઉપરાંત ગામની વિધવા, ત્યક્તા, નિરાધાર સ્ત્રીઓ, આર્થિક રીતે નબળા વર્ગની વ્યક્તિઓ, ગરીબી રેખા નીચે જીવતા પરિવારો, અનુસૂચિત જાતિ અને જનજાતિના ઉમેદવારો તેમજ મહિલા અરજદારોને પસંદગીમાં વિશેષ અગ્રતા મળશે. જોકે, સસ્તા અનાજની દુકાનના પરવાનેદાર તેમજ સરકારી નોકરીમાંથી ફરજિયાત નિવૃત્ત કરાયેલ, રુખસદ અપાયેલ કે બરતરફ કરાયેલ વ્યક્તિઓ અરજી કરવાને પાત્ર રહેશે નહીં.
રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ નિયત નમૂનાના અરજીફોર્મ સાથે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, માર્કશીટ, રેશનકાર્ડ, ચૂંટણી ઓળખપત્ર, જાતિનો દાખલો, સ્થાનિક રહેઠાણના પુરાવા અને અનુભવ અંગેના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો જોડવાની રહેશે. આ તમામ દસ્તાવેજો તા.૩ ડિસેમ્બર સુધીમાં જાહેર રજા સિવાયના દિવસોમાં મામલતદાર કચેરી, ધ્રોલ ખાતે જમા કરાવવાના રહેશે. સમય મર્યાદા બાદ મળેલી અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં અને ઉમેદવારે રૂબરૂ ઇન્ટરવ્યુમાં હાજર રહેવું ફરજિયાત છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt