

ગાંધીનગર, 26 નવેમ્બર (હિ.સ.) : સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભારતના બંધારણના ઘડવૈયા, ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની ગાંધીનગરમાં સેન્ટ્રલ વિસ્ટા સ્થિત પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ ડૉ. બાબાસાહેબ આંબેડકરના રાષ્ટ્રનિર્માણમાં અમૂલ્ય યોગદાન અને ભારતીય લોકશાહીના પાયાને મજબૂત બનાવવામાં તેમની ઐતિહાસિક ભૂમિકાને ભાવપૂર્વક વંદન કર્યા હતાં.
સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે મુખ્યમંત્રી એ ડૉ. આંબેડકરને ભાવાંજલિ આપીને બાબાસાહેબના વિચારો અને આદર્શોને આત્મસાત કરીને સમર્થ, સમૃદ્ધ અને સમાનતાયુક્ત ભારતના નિર્માણ માટે પ્રતિબદ્ધ થવાનો સામાજિક સમાનતાનો સંદેશ આપ્યો હતો.
આ વેળાએ સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા, શ્રમ અને રોજગાર રાજ્ય મંત્રી કાંતિ અમૃતિયા, ગાંધીનગરના મેયર રૂપસીંગ ઠાકોર, ધારાસભ્ય રીટાબહેન પટેલ, શહેર સંગઠન પ્રમુખ આશિષ દવે, સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન મહેન્દ્ર પટેલ તથા અન્ય હોદ્દેદારોએ પણ ઉપસ્થિત રહીને ભાવપુષ્પ અર્પણ કર્યા હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ