
સુરત, 26 નવેમ્બર (હિ.સ.) : શહેરમાં રખડતા શ્વાનના હુમલાની ઘટનાઓ અટકવાનું નામ લઈ રહી નથી. પાંડેસરાના બમરોલી વિસ્તારમાં આવેલા તિરુપતિ નગરમાં સફાઈ કામગીરી કરી રહેલા સુરત મહાનગરપાલિકાના 28 વર્ષીય કર્મચારી ધીરજ બોરસે પર રખડતા શ્વાને અચાનક હુમલો કર્યો હતો. આ હુમલામાં તેમના પગના ભાગે સાતથી વધુ ગંભીર ઈજાઓ થઈ હતી. આસપાસના લોકોએ દોડી આવી શ્વાનને ભગાડ્યા બાદ ઇજાગ્રસ્ત કર્મચારીને 108 એમ્બ્યુલન્સ દ્વારા નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.
શહેરના પાંડેસરા, ઉધના, સચિન અને લિંબાયત જેવા વિસ્તારોમાં રખડતા શ્વાનનો ત્રાસ સ્થાનિકો માટે ચિંતાનો વિષય બન્યો છે. રસ્તા પર રમતા બાળકો, શાળાએ જતા વિદ્યાર્થીઓ તેમજ વહેલી સવારે કામ પર નીકળતા શ્રમિકો અને રાહદારીઓની સુરક્ષા સામે સવાલો ઊભા થયા છે. વારંવાર બનતી આવી ઘટનાઓને કારણે સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
રખડતા શ્વાનના હુમલાની તાજી ઘટના બાદ સુરત મહાનગરપાલિકાની કામગીરી સામે ફરી નારાજગી વ્યક્ત થઈ રહી છે. પાલિકા દ્વારા શ્વાનના ખસીકરણ અને રસીકરણ પાછળ દર વર્ષે મોટી રકમ ખર્ચવામાં આવતી હોવા છતાં હુમલાની ઘટનાઓ ચાલુ રહેતા કામગીરીની અસરકારકતા અંગે સવાલો ઊભા થયા છે. હવે શહેરમાં રખડતા શ્વાનની સમસ્યાના કાયમી ઉકેલ માટે મનપા દ્વારા નક્કર પગલાં લેવામાં આવે તેવી લોકોની માગ ઉઠી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે