
પાટણ, 26 નવેમ્બર (હિ.સ.) : પાટણ જિલ્લાના રાધનપુરમાં ભાડે લીધેલા વાહનોને છેતરપિંડીથી રાજસ્થાનમાં વેચી દેવાના કેસમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે સરદારપુરા ગામના 31 વર્ષીય નરેશભારથી આનંદભારથી ગૌસ્વામીને ઝડપી પાડ્યો છે. રાધનપુર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 318(4) અને 3(5) હેઠળ નોંધાયેલા ગુનામાં આ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ, આરોપી અન્ય સાગરીતો સાથે મળીને ટ્રેક્ટર અને ટેન્કર સહિતનાં વાહનો ભાડે મેળવતો હતો અને ત્યારબાદ રાજસ્થાનના લોકોને સાથે રાખી છેતરપિંડીપૂર્વક વેચી દેતો હતો.
આરોપીની પૂછપરછ અને તપાસ દરમિયાન પોલીસે તેની પાસેથી 1 ટ્રેક્ટર, 1 કેમ્પર, 1 ટેન્કર અને 1 ટ્રોલી મળી કુલ ચાર વાહનો કબજે કર્યાં છે. આ તમામ વાહનોની અંદાજિત કિંમત રૂ. 13 લાખ હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે. આ રીતે ભાડે મેળવેલા વાહનોને અન્ય રાજ્યમાં વેચી દેવાના કૌભાંડમાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ ગુનામાં સંડોવાયેલા અન્ય ત્રણ આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર છે. જેમાં વાવ-થરાદ જિલ્લાના ઓગડ તાલુકાના સવપુરા ગામના પ્રકાશભાઈ નાથાભાઈ રાવળ, કચ્છ-પૂર્વના ગાંધીધામ વિસ્તારના અંજારના વિમલનાથ બટુકનાથ નાથબાવા અને વડાના મહેન્દ્રસિંહ બાપુનો સમાવેશ થાય છે. પોલીસે ફરાર ત્રણેય આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ તેજ બનાવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ