
પાટણ, 26 નવેમ્બર (હિ.સ.) : પાટણ જિલ્લાના હારીજ તાલુકાના એકલવા અને પીલુવાડા ગામમાં તસ્કરોએ એક જ દિવસમાં બે બંધ મકાનોને નિશાન બનાવી કુલ રૂ. 4.64 લાખની ચોરી કરી હતી. બંને પરિવારજનો ઘરને તાળું મારી કામ અર્થે બહાર ગયા હતા તે દરમિયાન તસ્કરોએ રોકડ રકમ અને સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. આ બનાવ અંગે હારીજ પોલીસ સ્ટેશનમાં અલગ-અલગ ફરિયાદ નોંધાઈ છે.
પ્રથમ બનાવમાં એકલવા ગામના વતની અને હાલ હારીજના ગોકુળનગરમાં રહેતા 43 વર્ષીય કાપડના વેપારી પ્રકાશ ભગવાન ચૌધરીના મકાનમાંથી તસ્કરોએ રૂ. 2.50 લાખ રોકડા, રૂ. 5 હજારની ચાંદીની બે લક્કી, રૂ. 7 હજારનું ચાંદીનું મંગળસૂત્ર અને રૂ. 10 હજારનું સોનાનું પેન્ડલ મળી કુલ રૂ. 2.72 લાખની મતા ચોરી કરી હતી. 24 નવેમ્બરના રોજ પરિવારના સભ્યો બહાર ગયા હતા ત્યારે તસ્કરોએ ઘરમાં પ્રવેશ કર્યો હતો.
બીજા બનાવમાં પીલુવાડા ગામના 35 વર્ષીય ખેડૂત મહેન્દ્રજી બળવંતજી ઠાકોર પરિવાર સાથે ગાય ખરીદવા ખાનપુરડા ગામે ગયા હતા. આ દરમિયાન બંધ મકાનનું તાળું તોડી તસ્કરોએ તિજોરીમાંથી રૂ. 82 હજાર રોકડા, રૂ. 55 હજારની એક તોલાની સોનાની ચેઇન અને રૂ. 55 હજારની એક તોલાની સોનાની બુટ્ટી મળી કુલ રૂ. 1.92 લાખની ચોરી કરી હતી.
બંને બનાવ અંગે પ્રકાશ ભગવાન ચૌધરી અને મહેન્દ્રજી બળવંતજી ઠાકોરે 25 નવેમ્બર, 2026ના રોજ હારીજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અજાણ્યા તસ્કરો સામે BNSની કલમ 305(a), 331(3) અને 329(3) હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર ભીખાભાઈ દેસાઈ વધુ તપાસ કરી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ