રાજકોટ જિલ્લામાં લોધિકાના વડવાજડી અને જસદણના પોલારપર પાસે બે અકસ્માત : બે દંપતીના કરૂણ મોત
રાજકોટ, 26 નવેમ્બર (હિ.સ.) : રાજકોટ જિલ્લામાં બુધવારે સાંજે બનેલા બે અલગ-અલગ માર્ગ અકસ્માતમાં બે દંપતીના કરુણ મોત થયા છે. કાલાવડ રોડ પર વડવાજડી નજીક ટ્રકના વ્હીલ નીચે દંપતી કચડાઈ ગયું, જ્યારે જસદણ-ચોટીલા રોડ પર પોલારપર પાટિયા પાસે બોલેરોની ટક્કરથી
વડવાજડી ગામ પાસે અકસ્માતની ઘટના


પોલારપર ગામ પાસે અકસ્માત ની ઘટના


રાજકોટ, 26 નવેમ્બર (હિ.સ.) : રાજકોટ જિલ્લામાં બુધવારે સાંજે બનેલા બે અલગ-અલગ માર્ગ અકસ્માતમાં બે દંપતીના કરુણ મોત થયા છે. કાલાવડ રોડ પર વડવાજડી નજીક ટ્રકના વ્હીલ નીચે દંપતી કચડાઈ ગયું, જ્યારે જસદણ-ચોટીલા રોડ પર પોલારપર પાટિયા પાસે બોલેરોની ટક્કરથી બાઈકસવાર દંપતીના મોત નીપજ્યા છે. બંને ઘટનામાં ચાર સંતાનોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે.

રાજકોટના કાલાવડ રોડ પર વડવાજડી ગામ નજીક બુધવારની સાંજે અકસ્માતની ઘટના બની હતી. મૂળ પોરબંદરના કડછ ગામના વતની અને હાલ ખીરસરામાં રણમલજી નવા પ્લોટ વિસ્તારમાં રહી મજૂરી તથા ફેક્ટરીમાં કામ કરતા મિતેષભાઈ ગોવિંદભાઈ વાઘેલા (૩૩), તેમના પત્ની કવિતાબેન (૨૫) અને પુત્રી જીનલ (૫) એક્સેસ સ્કૂટર પર સવાર થઈને સાંજે વડવાજડી રહેતા સબંધીના ઘરે જઈ રહ્યા હતા. દરમિયાન કાલાવડ રોડ પર જીજે-૦૩-બીવાય-૪૮૬૬ નંબરના ટ્રકના વ્હીલમાં એક્સેસ સ્કૂટર ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો. આ ટક્કરમાં દંપતી અને બાળકી રોડ પર ફંગોળાયા હતા.

વડવાજડી નજીક બનેલા આ અકસ્માતમાં ટ્રકના પાછળના વ્હીલ નીચે કચડાઈ જવાથી મિતેષભાઈ ગોવિંદભાઈ વાઘેલા અને કવિતાબેનના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. મળતી વિગત મુજબ કવિતાબેન ચાર માસનો ગર્ભ ધરાવતા હતા. અકસ્માતમાં પાંચ વર્ષની પુત્રી જીનલને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં લોકોના ટોળા એકઠા થયા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સ તથા મેટોડા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. પોલીસે ટ્રાફિક પૂર્વવત કરાવી બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા અને આગળની તપાસ હાથ ધરી હતી.

બીજી ઘટના જસદણ-ચોટીલા રોડ પર પોલારપર ગામના પાટિયા પાસે બની હતી, જ્યાં બોલેરો વાહને બાઈકને ટક્કર મારતા દંપતીનું મોત થયું હતું. મૂળ મહુવાના ડુંડાસ ગામના વતની અને હીરા ઘસવાનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા લાલજીભાઈ બચુભાઈ વસિયા (૩૫) અને તેમના પત્ની મુક્તાબેન (ઉંમર ૩૫) કુટુંબી સાઢુભાઈ ભાવેશભાઈ નાથાભાઈ બારૈયા અને તેમના પત્ની વર્ષાબેન સાથે અલગ-અલગ બે બાઈક પર ચોટીલા ચામુંડા માતાજીના મંદિરે દર્શન કરવા ગયા હતા. સવારે છ વાગ્યે નીકળેલા આ ચારેય વ્યક્તિઓ બપોરે દર્શન કર્યા બાદ અલગ-અલગ બાઈક પર ઘરે પરત ફરી રહ્યા હતા.

પરત ફરતી વખતે પોલારપર ગામના પાટિયા પાસે બોલેરો નંબર જીજે-૩૮-ટી-૨૯૦૩ ના ચાલકે બાઈકને ટક્કર મારતા લાલજીભાઈ બચુભાઈ વસિયા અને મુક્તાબેનને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટના સમયે ફરિયાદી ભાવેશભાઈ નાથાભાઈ બારૈયા અને તેમના પત્ની ત્રણ કિલોમીટર પાછળ હતા અને ઘટનાની જાણ થતાં સ્થળ પર પહોંચ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા બંનેને ૧૦૮ મારફત જસદણની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે બંનેને મૃત જાહેર કર્યા હતા. જસદણ પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી અને બોલેરો પીકઅપ વાહનના ચાલક સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. આ અકસ્માતમાં દંપતીના મોત થતાં બે પુત્રી અને એક પુત્ર મળી ત્રણ સંતાનોએ માતા-પિતા ગુમાવ્યા છે અને પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande