

- સ્વયંસેવકોએ સંવિધાનના મૂલ્યો અને લોકશાહી પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી
ગાંધીનગર, 26 નવેમ્બર (હિ.સ.) : ભારતના બંધારણના ગૌરવ, લોકશાહી મૂલ્યો અને નાગરિક ફરજો પ્રત્યે યુવા પેઢીમાં જાગૃતિ કેળવવાના હેતુથી કડી સર્વ વિશ્વવિદ્યાલયના નેશનલ સર્વિસ સ્કીમ (NSS) સેલ દ્વારા 26 નવેમ્બર, સંવિધાન દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ગાંધીનગર સ્થિત કડી કેમ્પસના બ્રહ્માણી કૃપા હોલ ખાતે સવારે 10:00 થી બપોરે 12:00 વાગ્યા દરમિયાન યોજાયેલા આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના આશરે 150 NSS સ્વયંસેવકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
કાર્યક્રમમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર શ્રેયાંશ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે યુવા ફાઉન્ડેશન ના સ્થાપક વાઇસ પ્રેસિડેન્ટ અને પ્રેરણાદાયી વક્તા અપૂર્વ પટેલે મુખ્ય વક્તવ્ય આપતાં ભારતીય બંધારણનું મહત્વ, બંધારણના ઘડતર પાછળના મહાનુભાવોના યોગદાન, નાગરિક અધિકારો અને મૂળભૂત ફરજો અંગે યુવાનોને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે યુવાનોને બંધારણમાં સમાવિષ્ટ ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાના આદર્શોને જીવનમાં ઉતારવા તથા જવાબદાર નાગરિક તરીકે રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપવા પ્રેરિત કર્યા હતા.કાર્યક્રમ દરમિયાન ભારતીય બંધારણનું પૂજન, બંધારણના આમુખનું સામૂહિક વાંચન અને સંવિધાન શપથ જેવા ગૌરવપૂર્ણ કાર્યક્રમો યોજાયા હતા. આ ઉપરાંત સ્વયંસેવકોમાં બંધારણ અંગેનું જ્ઞાન અને જાગૃતિ વધારવાના હેતુથી સંવિધાન આધારિત ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્વિઝમાં વિજેતા થયેલા સ્વયંસેવકોને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ભાગ લેનાર સ્વયંસેવકોને ઈ-પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવશે. આ પ્રસંગે 'વિકસિત ભારત યુવા સંવાદ' અંતર્ગત બંધારણના મૂલ્યો, યુવાનોની રાષ્ટ્રનિર્માણમાં ભૂમિકા અને લોકશાહી વ્યવસ્થામાં સક્રિય નાગરિક સહભાગિતા જેવા વિષયો પર વિશેષ વ્યાખ્યાન યોજાયું હતું. સમગ્ર કાર્યક્રમ દ્વારા યુવા પેઢીમાં બંધારણ પ્રત્યે આદર, રાષ્ટ્રીય એકતા, સામાજિક જવાબદારી અને લોકશાહી પ્રત્યેની પ્રતિબદ્ધતાનો સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમનું સમગ્ર આયોજન અને સંકલન યુનિવર્સિટી તરફથી કડી સર્વ વિશ્વવિદ્યાલયના NSS પ્રોગ્રામ કોઓર્ડિનેટર ધર્મેન્દ્રસિંહ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું.
અમદાવાદ જિલ્લા યુવા અધિકારી પ્રિતેશભા ઝવેરીનો કાર્યક્રમની સફળતામાં મહત્વપૂર્ણ સહયોગ સાંપડ્યો હતો. આ સમગ્ર ઉજવણી દ્વારા NSS સ્વયંસેવકોએ માત્ર સંવિધાન દિવસની ઉજવણી જ નહીં, પરંતુ બંધારણીય મૂલ્યોને પોતાના જીવનમાં આત્મસાત કરી એક જવાબદાર, જાગૃત અને સશક્ત ભારતના નિર્માણમાં સહભાગી બનવાનો સંકલ્પ પણ વ્યક્ત કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ